ક્યારેક લાગે કે હું વધારે પડતી લાગણીશીલ છું, કેટલીક સાવ નાની નાની વાતો પણ મને સ્પર્શી જાય છે...
હમણાં એક ફોટો ચર્ચામાં રહેલો, એક કુપોષિત બાળક અને ગીધને બતાવતા એ ફોટા નીચે લખાણ હતું, એક બાળક અને બે ગીધ!
એક ગીધ એ જે ફોટામાં દેખાતું હતું અને બીજું ગીધ એ જેણે એ ફોટો લીધેલો. માનવ થઈને જન્મેલા એ ફોટોગ્રાફરે બેસ્ટ ફોટો લેવાની લાહ્યમાં મરી રહેલાં ભૂખ્યા બાળકની મદદ કરવાને બદલે ફોટો ખેંચવાનું વધારે જરૂરી સમજ્યું એ વાતની નોંધ લેવાઈ અને ઘણા લોકોએ ફોટોગ્રાફરને ગીધ સાથે સરખાવ્યો..
અહીં મજાની વાત એ છે કે એ ફોટો સ્પર્ધામાં અવ્વલ આવ્યો! મને સમજાતું નથી કે આવા ફોટાને એ લોકો સિલેક્ટ જ શા માટે કરે છે? એની બદલે હસતાં, માસૂમ ચહેરા વાળા બાળકોના ફોટાને સ્પર્ધા માટે લેવાતા હોત તો કદાચ એ ફોટોગ્રાફર ભૂખ્યા બાળકને ખાવાનું આપી એની ખાતી વખતની ખુશીને કેમેરામાં કંડારવા જહેમત કરત...
આનાથી પણ વધારે દુઃખદ વાત... એ ફોટોગ્રાફરે પછીથી આત્મહત્યા કરી! કેમ? એને લોકોએ ગીધ કહીને વગોવ્યો એટલે કે પાછળથી એને ભાન થયું કે પોતે એક એવોર્ડ વિનિંગ ફોટો ખેંચવાના ચક્કરમાં કેટલી હદે નીચે ઉતરી ગયો... એનો પશ્ચાતાપ. જો ખરેખર એવું હોય તો એણે બાકીનું જીવન એવા બાળકોની મદદ કરવામાં માટે સમર્પિત કરી દીવું જોઈએ...પણ આત્મહત્યા શા માટે?
આટલું વિચારતાં મને ચારેબાજુ દરેક માણસમાં રહેલો ગીધ દેખાય છે જે કોઇનું સારું થતું ક્યારેય જોઈ નથી શકતો! આખું આકાશ ખુલ્લું પડ્યું છે સૌ સૌને એમની તાકાત પ્રમાણે ઉડવા માટે એ છતાં પોતે ઉડવા કરતા બીજાને નીચે પાડવામાં જ કેમ રચ્યો પચ્યો રહે છે આ માણસ! શું મળી જાય એવા લોકોને બીજાને તકલીફ પહોંચાડી? પાશવી અનાંદ જો તમે વિચારતા હોય તો કહી દઉં એ ક્ષણિક હોય છે એ પછી?
જ્યાં આવા ગીધ જેવા માણસો વસતા હોય ત્યાં એમની ભેગા લાગણીશીલ માણસો પણ ભગવાને જ મુક્યા છે..! શા માટે એનો જવાબ મારી પાસે નથી...
ટુંકમાં ગીધ જેવા માણસો ઘણા મળી રહેશે આ દુનિયામાં પણ તમારા જેવા જ લાગણીશીલ માણસનો ક્યાંક ભેંટો થઈ જાય તો એને જતનથી જાળવજો...મને થોડાક મળ્યા છે એવા જેમને હું મારા મિત્ર કહું છું ?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?