Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે દરેક જગ્યાએ જે તે વિસ્તારમાં ભરાયેલા પાણીના ફોટા જ જોવા મળે એ સામાન્ય વાત છે, પણ...

આ સામાન્ય લાગતી વાતમાં એક અસામાન્ય નઝારો નિહાળવા મળી રહ્યો છે, દરેક જગ્યાએ વર્દીવાળા ભાઈઓ ક્યાંક કેડ સમા તો ક્યાંક ગળા સુધી પાણીમાં ફરીને લોકોને બચાવી રહ્યા છે!

હું આર્મીના જવાનોની વાત નથી કરી રહી આ આ વખતે પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યું કરાવવાની જવાબદારી પોલિસ ખાતાના કર્મચારી ખુશી ખુશી નિભાવતા નજરે પડી રહ્યા છે એની વાત કરું છું! તમે એમને જોયા?

એક સાવ નાનું બે ત્રણ મહિનાનું જ હોય એવડું બાળક એક ટબ માં આરામથી સુતું હતું અને એ બાળકને ઠંડી ના લાગી જાય એટલે એના ઉપર કપડું ઢાંકી, ટબને માથે ઉંચકીને ગળા સુધીના પાણીમાં ચાલી રહેલો એક વીર માનવ પોલીસ કર્મી હતો. બાળકને પાણીની બહાર લઈ ગયા પછી પણ એની મમ્મી મળી ત્યાં સુધી એને માટે દૂધ વગેરેની વ્યવસ્થા કરી એને પોતાના સંતાનની જેમ સાચવનાર પોલીસ સ્ટેશનમાં જ કામ કરનાર સ્ટાફ હતો.

કાલે એક ચેનલમાં જોયું એક પોલીસકર્મી બે બાળકીઓને પોતાને ખભે ઉઠાવીને કેડ સમા પાણીમાં ચાલી રહ્યો હતો, સગો બાપ જ આવું કરી શકે એમ આપણે માનતા હોઈએ તો કહી દઉં કે એમનો સગો નહતો બસ પોતાની ફરજ બજાવી રહેલો એક સાચો પોલીસ ઑફિસર હતો.

વડોદરામાં ફસાયેલા લોકો માટે બીજી કોઈ મદદ આવે ત્યાં સુધી પોલીસકર્મીઓ ખિચડી રાંધીને લઈ આવેલા અને બધાને ખવડાવેલું!

ક્યારેક કોઈ રેલી નીકળવાની હોય ત્યારે આખો દિવસ ખડે પગે ઊભો રહેનાર પોલીસવાળા જ હોય છે જેમને કેટલીક વખત ત્યાંના ચા/નાસ્તા લેવાની પણ છૂટ નથી હોતી. રથયાત્રા કે ગણેશ ચતુર્થી વખતે સરઘસની સાથે સાથે છેક સુધી ચાલનાર અને વારે વારે દંડો પછાડી રસ્તો કલિયર કરાવનાર કોણ હોય છે? પુરુષ તો પુરુષ મહિલા પોલીસ કર્મીઓ પણ આખો દિવસ ત્યારે ખડેપગે હોય છે.

હમણાં જ કેટલાક દિવસો પહેલાં સ્કુલ વેન ચાલકો હડતાળ ઉપર હતા ત્યારે બાળકોને શાળાએથી છેક એમના ઘર સુધી મૂકી જવાની જવાબદારી પોલીસવાળાએ લીધેલી અને બખૂબી નીભવેલી.

મારી એક મિત્ર લેડી પોલીસ ઑફિસર છે જેણે એકલે હાથે એના વિસ્તારમાં ચાલી રહેલાં દારૂના પીઠા બંધ કરાવેલાં, નકલી પોલીસ બની લોકોને લૂંટતી ગેંગનો ફિલ્મી ઢબે પ્લાન બનાવી સફાયો કરેલો... મેં એને પૂછ્યું કે
“તને ડર નથી લાગતો યાર? આ ગુંડા મવાલી જેવા તત્વો પાછળથી હેરાન કરે તો?" એણે હસીને કહ્યું,

“ડર લાગે છે પણ જ્યારે મારો યુનિફોર્મ પહેરી તૈયાર થાઉં ત્યારે આપોઆપ જ હિંમત આવી જાય છે! ગુંડાઓ સામે આમ પ્રજાને રક્ષણ આપવું એ તો મારું કામ છે અને એ જ હું કરું છું મારી સાથે મારી આખી ટીમ છે, દેશ છે પછી એ બની બેઠેલાં ગુંડાઓથી શું બીવાનું હોય?"

આપણે લોક મજાકમાં કહેતાં હોઈએ છીએ, પોલીસવાળાની ના દોસ્તી સારી, ના દુશ્મની! હું કહીશ એમની સાથે દોસ્તી ના કરો, દુશ્મની ના કરો બસ એમને એમની ફરજ નિભાવવા દો..! બની શકે તો સહકાર આપો તમારી પાસે એ લોકો એટલી અપેક્ષા તો રાખી શકે ને?

ટુંકમાં પોલીસ વાળાને ઠોલા કહીને અપમાન કરતાં પહેલાં વિચારી જોજો કદાચ કાલે તમારું કોઈ પ્રાણપ્યારું મુશ્કેલીમાં ફસાયું હોય અને એની મદદ કરનાર કોઈ પોલીસ વાળો જ હશે તો?

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111234492
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now