"Happy Friendship day "
ભૂલ શોધીને બતાવે એજ સાચો દોસ્ત કહેવાય,
તોય દિલમાં પ્રિત જગાવે એજ સાચો દોસ્ત કહેવાય.
આપની બાધા ફળી ગઈ વાત એ જાણ્યાં પછીથી,
જે શ્રી ફળ જાતે વધાવે એજ સાચો દોસ્ત કહેવાય.
તારી નિષ્ફળતા ઉપર સૌથી વધારે થાય દુઃખી,
ને સફળતા પણ પચાવે એજ સાચો દોસ્ત કહેવાય.
ભાવના વૈભવથી મોટો કોઈ વૈભવ ક્યાં છે જગમાં,
પૌવા પણ માથે ચઢાવે એજ સાચો દોસ્ત કહેવાય.
રાઈ જેવો કોઈ ગુણ પર્વત કરી જગને બતાવે,
દુર્ગુણો મનમાં છુપાવે એજ સાચો દોસ્ત કહેવાય.
રેસમાં પાછળ પડી હો આપની ગાડી છતાં પણ,
દાવ એનાં પર લગાવે એજ સાચો દોસ્ત કહેવાય.
દંભ, આડંબર ,અહમ ને દ્વેષ કાઢી નાંખ "સાગર",
હોય જે ભોળો સ્વભાવે એજ સાચો દોસ્ત કહેવાય.
સગર રાકેશ, સાગર, વડોદરા