?શીખતા જઈશું...?
ઈંટ સામે પથ્થરથી તો શબ્દો સામે ગઝલથી,
જેવા સાથે તેવા થઈ, હવે જવાબ આપતા જઈશું,
ના કોઈ હઠ, સાચું કે ખોટું, સાબિત કરવાની,
ભૂલ હશે, સમજાશે, તો, અચૂક ઝૂકતા જઈશું,
પર્વત સામે આવેલો, ઓળંગવો જ, જરૂરી નથી,
અમે થોડું ફરીને પણ, મંઝિલે પહોંચતા જઈશું,
દીવો છે જ હાથવગો, સૂરજ ની ગરજ નથી,
અંધારામાં સોય પરોવતા, છેવટે શીખતા જઈશું,
વરસશે વરસાદ તો તો ઊગી નીકળશે નક્કી,
પરસેવાના ટીંપાથી પણ, એક કોશિષ કરતા જઈશું,
એકતરફી ચુકાદો, જો કોઈ સંબંધમાં જાય આપી,
દિલથી રમનાર દરેકને, હવે બાજુમાં મુકતા જઈશું,
એ કવિ છે, એમ નહીં હારે, જેવી ખબર પડી,
અંતે વિચાર્યું લોકે, એની કલમ જ તોડતા જઈશું.
- કાજલ શાહ