શે અધૂરી આમ ઈચ્છાને લઈ સાથે ફરો.?
છે જરૂરી કોઈ જુસ્સાને લઈ સાથે ફરો.
એ તમારો છે તમે એને કરો અળગો હવે,
આમ તમ જ્યાં ત્યાં ન ગુસ્સાને લઈ સાથે ફરો.
જિંદગી નો ભાગ છે એને જ સાથે લઇ ફરો,
છોડો કડવા,મીઠાં કિસ્સાને લઈ સાથે ફરો.
અવતરણ ખાલી હતું ને એ મરણ ખાલી હશે,
છો ભરેલાં આમ ખિસ્સાને લઈ સાથે ફરો.
વાપરો તમ પંડ માટે,શાને તમ ભેળું કરો.?
વહેંચવા માટે જ હિસ્સાને લઈ સાથે ફરો.!
-અશોક વાવડીયા
*શે= કેમ,શા માટે,શા કારણે
*છો=ભલે,ઠીક,ભલેને
છંદ=રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન