પ્રેમ સદા સંતાનો પર પાથરતા વહાલા પપ્પા મારા.
રડતા બાળને ભાગ દૈ મનાવતા વહાલા પપ્પા મારા.
હેત એનું પ્રસંગોપાત પ્રગટી રહેતું એના વર્તન થકી,
અમને પોતાનું જે સર્વસ્વ ગણતા વહાલા પપ્પા મારા.
થાય ભૂલચૂક કદીએ તો રડાવીને પાછા હસાવતા,
કથા પુરાણોની કહીને સમજાવતા વહાલા પપ્પા મારા.
જરુરિયાત અમારી પૂરવા પોતે ઓવરટાઈમ કરતા,
સ્વયં ઠંડું જમી ગરમ ખવડાવતા વહાલા પપ્પા મારા.
શિષ્ટાચારને સામાજિકતા લાવવા સતત જે મથતા,
ક્યારેક લેસન તપાસી કેવા વઢતા વહાલા પપ્પા મારા.
છૂપાવતા સ્નેહ અંતરે જબાને ઉગ્રતા લાવીને કદી,
હિત સદાય એ અમારું વિચારતા વહાલા પપ્પા મારા.
પિતૃદિને વંદન શતકોટિ ન ભૂલાય ઉપકાર જેમના,
માનવ સ્વરુપે દેવ અમને લાગતા વહાલા પપ્પા મારા.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '