ઘરના છત્રસમ મને લાગતા પિતા મારા.
ભરણપોષણ કુટુંબનું કરતા પિતા મારા.
સૌમ્ય અને રૌદ્ર બંને રુપ હજી યાદ છે,
ભીતર મૃદુ તોય કડક ભાસતા પિતા મારા.
ઘરથી આગળ વધીને શેરી બતાવી જેણે,
ભૂલ પડ્યે બાળકોને વઢતા પિતા મારા.
અમારા ભણતર કાજે નિજશોખ તજતા,
કરી કરકસર જીવન જીવતા પિતા મારા.
આવૃત્ત વહાલ એનું ભાગ્યે જ પરખાતું,
ભાગ લાવી બાળ રીઝવતા પિતા મારા.
હાલહવાલ ભણતરના સદાય પૂછનારા,
ઘટતી વસ્તુઓ પૂરી પાડતા પિતા મારા.
સલાહ સૂચનને માર્ગદર્શન જે આપનારા,
પાઠ દુનિયાદારીના શીખવતા પિતા મારા.
નિયમબદ્ધતાને ચોકસાઈ ભાગ જીવનનો,
અપનાવવા સદા આગ્રહી થતા પિતા મારા.
માતા પછીનું પૂજ્ય સ્થાન છે એનું કુટુંબે,
વડિલ તણી ભૂમિકા નિભાવતા પિતા મારા.
પિતૃદિને વંદન શતકોટિ એમના ઉપકારને,
કુટુંબની એકતા જાળવી રાખતા પિતા મારા.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '