દિલ દરવાજા ખુલ્લા રાખ્યા, આવોને પ્રીતમ આજ.
અંતર થકી આવકાર આપ્યા, આવોને પ્રીતમ આજ.
ભવોભવની પ્રતિક્ષા મારી ટાળોને ભગવંત તમે હવે,
અણસાર આગમનના ભાસ્યા, આવોને પ્રીતમ આજ.
નયન ગયાં થાકીને વાણી પણ તમને પોકારી પોકારી,
મુજ ઉરમાં અવિચળ વસ્યા, આવોને પ્રીતમ આજ.
બની બહાવરી તવ વિયોગે કૃપાળુ કૃષ્ણ અહર્નિશ,
લોચન દરશન કાજ તરસ્યાં, આવોને પ્રીતમ આજ.
ભૂલી ઘરબાર કુટુંબને કંથ સહિતનો સઘળો સંસાર,
પ્રિયતમ પ્રીત નિભાવે રસિયા, આવોને પ્રીતમ આજ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '