મારી અદભૂત માને પ્રણામ સાથે...
- રક્ષા શુકલ
મા મને જુવે 'ને રાજી.
કદી વાળમાં ગજરો નાખું, કદી ચમેલી જૂઈ,
જૂઈને બદલે મને સૂંઘી, ફૂલો કરતાયે તાજી.
મા મને જુવે 'ને રાજી.
કરે ટેરવા સળને સરખી જાણે આટાપાટા,
પછી કદી ક્યાં વાગ્યા અમને બાવળ વચ્ચે કાંટા ?
પરોઢિયે ઝાકળની ઝરમર દિવસે અમિયલ છાંટા,
અનરાધારે હેત-લાડના કેટકેટલાં ફાંટા !
સુખને બદલે મને અડીને ભીતર કેવી માંજી !
મા મને જુવે 'ને રાજી.
વાદળ મારા ખીસ્સે ભરવા કપાસ વીણી લાવે,
સૂરજને સમજાવી કૂમળા તડકા ફળિયે વાવે.
સંતાકૂકડી રમવા થાકેલા પગને સમજાવે,
તુલસીક્યારે મા છે, અંધારું ક્યાંથી ત્યાં ફાવે !
‘ક’ને બદલે કમળ સૂંઘુ, ત્યાં હરખે ગાજી ગાજી.
મા મને જુવે 'ને રાજી.
કદી આપતી અભયવચન 'ને કદી ધરી દે ખોળો,
કહે કદી ના હું પાજી 'ને ભાઈ હંમેશા ભોળો.
છાંટા-છાલક હું માગું, એ રોજ ઉડાડે છોળો,
મા તો તીરથ, મા ગંગાજલ, જાત જરા ઝબકોળો.
આમ અમસ્તું નમતું મુકે, કરે ન હાજી હાજી.
મા મને જુવે 'ને રાજી.