રાતદિવસ બસ ધડક્યા કરતું હૃદય મારું.
વણથંભ્યું બસ થડક્યા કરતું હૃદય મારું.
નથી એ કેવળ યંત્ર રક્તને દબાણ દેનારું,
સાચવેલાંને સદા સંભાર્યા કરતું હૃદય મારું.
નિતનવા સ્પંદનોને ઉર્મિઓને પ્રગટાવતું,
ગણતરીથી દૂર એ જાયા કરતું હૃદય મારું.
આમ જુઓ તો ભરપૂર ભાવ ભંડાર છે,
ઇપ્સિત પામવા વલખાયા કરતું હૃદય મારું.
કિન્નાખોરી, વેરઝેર કે ઇર્ષા કદી ન મળતાં,
સ્નેહસુધા સતત વહાવ્યા કરતું હૃદય મારું.
નવનીત પણ જ્યાં લાગે કઠોર એવું મૃદુ,
પ્રતિક્ષણ ઇશને બોલાવ્યા કરતું હૃદય મારું.
શક્ય છે પ્રભુ તને ના ગમે કદી મન મારું,
તવકાજે ઓરતા સજાવ્યા કરતું હૃદય મારું.
ખર્વપતિ પાણી ભરે એ ઉરની તુલનામાં,
ક્વચિત ઇશનેય લલચાવ્યા કરતું હૃદય મારું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '