#KAVYOTSAV -2
મારી પીડાને હમેશાં તું કળે છે મા,
જ્યારે જ્યારે તું મને આવી મળે છે મા.
દીપ માફક તું હૃદયમાં ઝળહળે છે મા.
એટલે સૌ આફતો મારી ટળે છે મા.
તું ભલે ના હોય મારી પાસમાં આજે,
તે છતાં કર્મો મને તારા ફળે છે મા.
મારા જીવનમાં કદી અંધારું ના આવે,
તેથી તું દીવો થઈ કાયમ બળે છે મા.
બાળ પર આવી પડે જો સંકટો કોઈ,
તે સમયમાં ડરથી કેવી ખળભળે છે મા.
છો જગત ના સાંભળે 'ધબકાર'ની વાતો,
મારા સુખ ને દુઃખની વાતો સાંભળે છે મા.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)