ભવોભવની તૃષા છીપાવે પરબ સંતોની.
મૂલ્ય માનવદેહનું બતાવે પરબ સંતોની.
નાતજાતના ભેદભાવ નથી હોતા કદીએ,
અઢારે વરણ ત્યાં રે આવે પરબ સંતોની.
દુગ્ધા દિલની જન્મજન્માંતરની સહીને,
અંતરાગ્નિને ઠારી બુઝાવે પરબ સંતોની.
કથીરનેય કંચન કરનારાઓનું ધામ છે,
પારસમણિનું નામ અપાવે પરબ સંતોની.
અમી વરસાવે આંખડી જેની પૈગંબર,
સમસ્યા સતર ઉકલાવે પરબ સંતોની.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '