તૂટી જતાં રમકડું શિશુનું રોષે ભરાયો એવો.
પગને ઘસતો, પાડે બરાડા અશ્રુ સારે કેવો..!
લાખેણી સંપદા એની જાણે કે ગઈ લૂંટાઈ,
પકડી જીદ એ લાવવા દશા બૂરી પછી થઈ.
કેમેય ના માને રહે ના છાનો માબાપ મૂંઝાયાં,
શું કરવું કૈં ના સૂઝે બાળજીદથી અકળાયાં.
નવાનવા ઘણાં રમકડાં એની પાસે લૈ મૂક્યાં,
એને જોઈએ તૂટ્યું એજ સાજું રખે ચૂક્યાં.
જીદ ના મૂકે બાળારાજા એક જ વાત કરે,
લાવી આપો હતું તે જ હીબકાં કેવાં ભરે.
હતું સર્વસ્વ એને રમકડું ગુમાવવું ન પાલવે,
કેમ કરીને રાખવો છાનો રીસાયેલાંને હવે.
લૈ ફેવિકોલ આપ્યું સાંધી ચોકલેટ મૂકી ઝાઝી,
ત્યારે થયો શાંત અનાડી મૂકી જીદ થયો રાજી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '