મનમયૂરને ટહૂકાવતો સંદેશ તારો.
નૂતન આશા જગાવતો સંદેશ તારો.
પ્રતિક્ષાની પળો વીતાવી કેટકેટલી,
તારી છબીને સ્મરાવતો સંદેશ તારો.
પાનખર અનુભવી તારા વિયોગમાં,
વસંતને નેહથી વધાવતો સંદેશ તારો.
પુનઃ પુનઃ વાંચી શીતળતા પામતો,
કદી નૈનાશ્રુને ઊભરાવતો સંદેશ તારો.
તારા વિના ઉર ધબકાર ચૂકી જતું ,
હૈયાંને હર્ષથી પુલકાવતો સંદેશ તારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '