આજે રેડીયો પર માટી, રેતી અને ધૂળ વચ્ચેના તફાવત વિશે પ્રશ્ર્ન પૂછાયો, અને શરૂ થઈ આ વિચારો ની હારમાળા......
માટી એટલે ચીકણી....
તે પોતે તો ચોંટી જ જાય, તેની સાથે જે ભળે તેને પણ ચોંટાડી દે. મારે મન માટી એટલે સ્ત્રીતત્વ. તમે સીધું જ માટી નું ઘર બનાવી શકો કે પછી ઘર બનાવવા જરૂરી ઈંટો પણ તો તેમાં થી જ બને. માટી માં થી માટલું, કોડીયું, વિવિધ પ્રકારના વાસણો, એમ ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય. આમ માટીનું તો કામ જ બાંધી રાખવાનું અને તેને ઘડનાર ની મરજી મુજબ, કંઈક બની જવાનું. માટી એટલે ફળદ્રુપતા. ઉપજાઉ. તેમાં પડેલા એક બીજ ને ઉગાડી જાણે. અને માટીની સુગંધ.... આહા.... કેટલી આહ્લાદક....તમારા મનને મોહી ના લે તો જ નવાઈ...
જ્યારે રેતી એટલે સમય ની જેમ સરકી જવું.....
ટેકનિકલી, રેતી એટલે પથ્થર નું સૌથી નાનું સ્વરૂપ. નદી અને સમુદ્ર ના પાણી ની પછડાટ ખાઈ-ખાઈને, અડગ, સખત એવા પથ્થર, ભાંગી જઈને તેનું જે છેલ્લું સ્વરૂપ બને તે રેતી. મારા માટે રેતી એટલે પુરુષતત્વ. એકદમ રેતાળ. ના પાણીમાં ભળે કે ન તો તે ઓગળી શકે... હા, ઘર બનાવવા માટે જરૂરી, પરંતુ સીમેન્ટ વગર કોઈ કામની નહીં. ચોંટાડી રાખે તેવી કોઈક વસ્તુ તેમાં મેળવવી જ પડે. પણ એકવાર ભળી ગયા પછી, તેના જેટલી મજબૂતાઈ બીજું કશું જ ના આપી શકે. તે પોતે ના બંધાય કે ના એક જગ્યાએ સ્થીર રહી શકે...ના તો ઉપજાઉ કે ન તેની કોઈ સુગંધ, તો પણ તેના વગર મજબૂત બાંધકામ અધૂરું જ ગણાય...
અને ધૂળ એટલે ઉડવું...
તે માટીની હોય કે રેતી ની પણ હોઈ શકે. ધૂળ એટલે માટી અને રેતી નું બાળસ્વરૂપ. ચારે તરફ ઉડી ને આસપાસ ની બધી જ વસ્તુ ને પોતાનામય બનાવી દે તે ધૂળ... આંખ માં જાય તો ખૂંચે અને સ્વચ્છતા ના આગ્રહી લોકો માટે સૌથી મોટી દુશ્મન....
બોલો, તમને શું લાગે છે? ???