જ્યારે પણ તારી અછત વરતાય છે,
ભેજ આંખોમાં તરત વરતાય છે.
જુલ્ફ ભીની તું કરે છે જ્યાં જરા,
પાનખરમાં ખાસિયત વરતાય છે.
આગમન ક્યારેક તારું થાય તો,
બાગ જાણે કાર્યરત વરતાય છે.
પાંપણો તારી છે બે મિસરા સમી,
'ને નયનમાં શેરિયત વરતાય છે.
મૌનને ધારણ કરી બેઠું છે દિલ,
યાદ તારી કારગત વરતાય છે.
પ્રેમ નામે લાગણી જન્મે 'રકીબ',
તો ગઝલમાં કેફિયત વરતાય છે.
-'રકીબ' અમદાવાદી