વર્તમાન, અતીત અને ભાવિમાં વહેંચાયેલો માનવી.
એથી જ કોઈથી ક્યારેય ના
સમજાયેલો માનવી.
સારા અતીતને વાગોળીને સરખામણી હંમેશાં કરે છે,
બૂરા અતીતની યાદે રહે છે વ્યગ્ર થયેલો માનવી.
જીવે છે ભૂતકાળમાંને કરે છે ચિંતા એ ભવિષ્યતણી,
પરંતુ વર્તમાન અવગણીને હોય છે મૂંઝાયેલો માનવી.
આજ- કાલ અને આવતીકાલ વચ્ચેનું ખોરવાયું છે સંતુલન,
ભાવિની કરી ઉપાધિને રહે છે રઘવાયેલો માનવી.
સાંપ્રતમાં એ અતીતની શોધખોળ કરવા મથે છેને,
ભાવિના નકશામાં સતત હોય છે અટવાયેલો માનવી.
તુલના બની જાય છે એક નબળી કડી માનવજાતની,
તેથી જ વારેવારે ઊંડા વિચારમાં રહે ખોવાયેલો માનવી.
- ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '