સતત ચાલી રહ્યા છે શ્વાસ ને ધબકાર મારા માં ,
કરે છે કોણ આ આઠે પ્રહર સંચાર મારા માં ?
હવે સંસાર માંથી કાંઈ મેળવવું નથી મારે ,
હવે શોધી રહ્યો છું હું બધોયે સાર મારા માં .
અરીસા માં નીરખવા ની મને હજી ક્યાં છે ?
કરું છું હું હજી તો ખુદ મને સાકાર મારા માં .
ભીતર ખખડયા કરીને રાતભર ઊંઘવા નથી દેતા,
ભર્યા છે કેટલાંયે સ્વપ્ન ના ભંગાર મારા માં.
કદાચ એથી જ મારામાં થી હું નીકળી નથી શકતો,
બીડાયેલાં હશે કંઈ કેટલાંયે દ્વાર મારા માં .
ભલા આ સૂર્યકિરણો ને હજી એની ખબર ક્યાં છે ?
દિવસ ઊગતાં સમાઈ જાય છે અંધાર મારા માં .
મને લાગે છે મારા માં જ ખોવાઈ ગયાં છે એ ,
ઊઠે છે એમ એના નામ નો પોકાર મારા માં .
બીજા ને શું મને ખુદ ને ય હું ચાહી નથી શકતો ,
ફક્ત તારે જ માટે છે બધોયે પ્યાર મારા માં .
છું હું તો આઈના જેવો અપેક્ષા કંઈ મને કેવી ?
કરી લો આપ પોતે આપ નાં દીદાર મારા માં .
"રાધે રાધે