એક ડોસા ને દરજી સાથે
રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું
તે જીવણ ને ટૂંકું થાય!
જીવણ ને તો જોઈએ
લાંબી ઈચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તો ય
જીવણ ન રાજી થાય,
ટૂંકા પના ના માપમાં
પરભુ તોય મથતો જાય,
એક ડોસા ને દરજી સાથે
રોજ કજિયો થાય!
આશા નું એક સરસ ખિસ્સું
પરભુ માપે મૂકે,
જીવણ ને લાલચ મુકવા ઇ
ખૂબ ટૂંકું લાગે,
નવી ભાતનાં ખીસ્સાં પરભુ
રોજ બતાવતો જાય,
એક ડોસા ને દરજી સાથે
રોજ કજિયો થાય!
કોલર ઊંચા રાખવાનો
જીવણ ને ધખારો,
પરભુ સમજાવે એને કે
'અહમ માપ માં રાખો',
પણ એમ જીવણ કાંઇ પરભુનું
બધુંય માની જાય?
એક ડોસા ને દરજી સાથે
રોજ કજિયો થાય!
કંટાળી ને પરભુ એ
અંતે બીલ મોટું આપ્યું ,
જોતા જ જીવણની
બે ય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ
પરભુનાં માપમાં રહેતો જાય,
એક ડોસા ને દરજી સાથે
હવે ન કજિયો થાય!
~ કેતન ભટ્ટ