એક વાર જરૂર વાચશો જી...
સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડના દશમાં ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણવામાં આવે છે.
અમિતાભ બચ્ચન રેડીયો ની પરીક્ષામાં ફેઈલ થયા હતા અને આજે આખી દુનિયા બચ્ચનસાહેબના અવાજ ઉપર ફીદા છે.
પૂજ્ય મોરારીબાપુ દશમામાં ત્રણ વખત નાપાસ થયા હતા પરંતુ આજે ત્રણ વખત પીએચ.ડી. કરેલા લોકો પણ પૂજ્ય બાપુને નવ-નવ દિવસ સુધી પલાઠીવાળીને સાંભળે છે.
પ્રમુખસ્વામી મહારાજે ધોરણ:૬ સુધી અભ્યાસ કરેલો છતાંયે વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હજારો મંદિરો તથા સ્કૂલ- હોસ્પિટલ નુ નિર્માણ કર્યું.
મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી વગેરે મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માર્ક્સ લાવ્યા હતા.
એનો મતલબ એવો નથી કે નાપાસ થાય એજ સફળ થાય પરંતુ નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે.
શરત એટલી કે જીવતા રહેવું જોઈએ !
માટે, કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાવ તો પણ આપઘાત કરવાનું તો સપનામાં પણ ન વિચારશો. ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે, મરવા માટે નથી આપી.
જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે એ લોકોએ રસોડાના બારણાં પાછળ સંતાઈને કામ કરતી પોતાની માતાના ચહેરા સામે ધારી-ધારીને જોયા કરવું અને પોતાની જાતને પૂછવું કે કોણ મોટું : તને ૯-૯ મહિના ઉદરમાં રાખી મોતની સામે બાથ ભીડી તને જન્મ આપનાર અને આટલો મોટો કરનાર તારી માં મહત્વની છે કે તારું પરિણામ ?
જો હું આત્મહત્યા કરીશ તો મારી વહાલી માં પર શી વીતશે ?
પંખે લટકાયેલો નિષ્પ્રાણ દેહ જયારે જનેતા જોશે ત્યારે એની શુ હાલત થશે ?
તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવશો તો તમારા માબાપને અવશ્ય ગૌરવ થશે પણ તમે ઓછા ટકા લાવશો કે નાપાસ થશો તો તમારા માબાપનું માથું શરમથી ઝૂકી જશે એવો ભ્રમ મગજમાંથી કાઢી નાખજો.
મોટા ભાગના આપઘાત "સમાજમાં આપણી શું આબરૂ રહેશે" એવી ખોટી બીક ના લીધે જ થતા હોય છે.
માટે, વિદ્યાર્થી ભાઈ-બહેનો ખુબ મહેનત કરો. મહેનત કરવામાં આળસ ન કરવી. પરીક્ષા આપ્યા પછી જે પરિણામ આવે એને સહર્ષ સ્વીકારતા શીખવું !