મરીઝ સાહેબના જન્મને કાલે 102 વર્ષ પુરા થયા
એમના 102 એકદમ બેહતરીન શેર સાથે વંદન કરીએ
નજર નજરથી મિલાવો તો હું કરું સાબિત
કે દિલની વાત મેં શબ્દો વિના કરી કે નહીં?
નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી
કદી આકાશ ભીંજાતું નથી વાદળનાં પાણીથી
તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.
પછી જે કંઈ મજા મળશે બહુ સાચી મજા મળશે
મરીઝ એક જ શરત છે કે ત્યજી દઈએ અધિકારો
મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો
લંબાઈ ગઈ અને પછી જીવન બની ગઈ
બાકી તો બે ઘડી જ હતી ઈન્તઝારની
લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.
હા, ઓ ખુદા, હવે જે મદદની જરુર છે
તું આપ ! યા તો દે કોઈ બીજો ખુદા મને
મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.
કરે વાંચન તો એક નિર્મળ મનોરંજન મળે એને
કોઈનાં હાથમાં જો મારી કિસ્મતની કિતાબ આવે
ત્યારે જોયું ચાલવાની પણ જગા બાકી નથી
જ્યારે મેં વર્ષો પછી તોડી દીધી જંજીરને
તમારા રૂપની માફક કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના જેવી રૂપાળી છે
ભલે ને તારી કથામાં અસીમ દર્દ હતું
સવાલ એ જ છે મહેફિલ રડી પડી કે નહીં
એ જ લોકો થઈ શકે છે મહેફિલોની આબરૂ
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી
પ્રણયનો પ્રાણ બની ગઈ આ તારી લાચારી
કે તારા મુખથી મને સ્પષ્ટ 'ના' નથી મળતી
સુખમાં પણ એવી અસર હોતે તો આનંદ આવતે
દુ:ખની વાતો સાંભળીને દિલ દુ:ખી થઈ જાય છે
એને મહાન ચીજ અમે પણ નથી ગણી
ખાલી મહત્તા દે છે અમારા વ્યસનને તું
એકાદ ખૂણે તો મને રહેવા દે ચેનથી
ઓ જિંદગાની તારા હજારો વિભાગ છે
એવા બુલંદ પ્રેમને હો દૂરથી સલામ
જેમા મને તમારી જરૂરત નહી રહે
'મરીઝ' પુણ્યના બદલાની માંગણી કેવી !
કે કંઈક મારા ગુનાની મને સજા ન મળી
મહોબ્બતમાં અને વહેવારમાં એક જ તફાવત છે
તમારું દર્દ હું પૂછું તમે પૂછો દવા મારી
સંયમના નામથી આ ઠગાઈ કરી લીધી
ભૂલી ગયો છૂ હું તને ભૂલી જવા વિના
હવે એની ઉપરથી આપ મારી દુ:ખકથા સમજો
જવાનીમાં કરું છું યાદ વિતેલી જવાનીને
અમારી આંખના બે આંસુઓ, એનું ગજુ શું છે?
મળે સામેથી બે બિંદુ તો એ વરસાદ થઈ જાએ
સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પૂરાવાઓ
હું ખુદ અગર પીઉં તો ભયંકર ગુનો બને,
આ દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે
ભવ્ય એક કલ્પનાસૃષ્ટિને ઉલેચી નાખી,
આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી
આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
મેં કેટલું પીધું છે તને શું કહું મરીઝ
હમણા તો જે પીવું છું નશાનો ઉતાર છે
છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા,
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને.
પડતી હો જ્યારે અન્ય ઉપર મોહની નજર,
એવા બધા પ્રસંગે મને યાદ આવી જા.