રિહર્સલ
અરે નિકિતા ચાલ હું તને ઘરે મૂકી જાઉં. નિતેશે સ્માઈલ આપતી નિકિતાને કહ્યું.
ના ના સર, હું નીકળી જઈશ. આ સ્ટોપથી બીજો સ્ટોપ. મને બસમાં ઘરે પહોચતાં 10 મિનિટ જ થતી હોય છે. નિકિતાએ ફરી એની ટ્રેડમાર્ક જેવી સ્માઈલ આપીને નિતેશને કહ્યું.
થિયેટરનાં મુખ્ય દ્વાર સુધી પહોંચતાં હજી કદાચ પચ્ચીસેક ડગલાં રહયાં હતાં. એ પહેલાં નિતેશે એક પ્રશ્ન પૂછી લીધો.
એ... નિકિતા, એક વાત પૂછું? ખોટું તો નહીં લાગે ને?
નિકિતાએ સ્માઈલ આપતાં કહ્યું? ખોટું લાગશે તો જવાબ નહીં આપું, તમે પૂછી લો.
એક્ચ્યુઅલી વાત એમ હતી કે... જો તને ખોટું...
નિતેશ હજી પ્રશ્ન પૂછતાં અચકાતો હતો, નિકિતા ચાલતાં ચાલતાં ધીમી પડી અને નિતેશને જોઈને કહ્યું, સર કેમ તમે એટલા બધા સિરિયસ છો. બસ પૂછી લો, તમારા દિલમાં વાત રહી જશે તો મને પણ સારું નહીં લાગે.
નિતેશે થોડીક હિંમત ભેગી કરી અને પૂછી લીધું..
"નિકિતા તમે પરિણીત છો?"
નિકિતા થોડીકવાર માટે ઊભી રહી ગઈ, નિતેશ તરફ નજર કરી, સહેજ હસી અને કહ્યું
"હું પરણિત છું અને નહીં પણ..."
નિતેશને કશું સમજાયું નહીં, એટલે ફરી એક પ્રશ્ન કર્યો.
એવું કઈ રીતે, માણસ કાં તો પરણિત હોય કાં તો નહીં.
નિકિતાએ ધીમાં આવાજે કહ્યું, હું ડિવોર્સી છું, એક દીકરી છે. દોઢ વર્ષની. અને, મમ્મી પપ્પા સાથે રહું છું.
નિતેશને કદાચ આ બાબતની ખબર હતી પણ ખરાઈ કરવા જ પ્રશ્ન કર્યો હતો.
***
બીજો દિવસ.
ડિરેકટર સાહેબ બોલ્યા "આજે રિહર્સલનો છેલ્લો દિવસ છે, ખૂબ મહેનત કરજો, જાણે બધું લાઈવ ઑડિયન્સ સામે હોય એવી રીતે ઍક્ટ કરજો"..
"યસ સર..." બધા કલાકારો જોશથી બોલ્યા.
નિતેશ અને નિકિતા એકબીજાને જોતા રહ્યાં. નાટકમાં બંને મુખ્ય કલાકારો હતાં અને જોગાનુજોગ જ નિકિતાને આ રોલ મળ્યો હતો. એ નાટકની હિરોઇનને અકસ્માત નડ્યો એટલે નિકિતાને આ રોલ એના મામાએ અપાવ્યો. પણ રિહર્સલથી બધાને ખાતરી થઈ કે નિકિતા જ આ રોલની સાચી હકદાર છે.
રિહર્સલ પૂરું કરી આજે નિકિતા વહેલી ઘરે જવા નીકળી,
નિતેશે પણ આ બાબતની નોંધ લઈ એની પાછળ પાછળ ચાલવાનું રાખ્યું,
નિતેશ એની જોડે ને જોડે ગેટ સુધી આવ્યો. અને ફરી પૂછ્યું, હું ઘરે મૂકી જાઉં, નિકિતાએ કશું જ કીધા વગર ના પાડી, કદાચ કઈં કહેવા માટે શબ્દો નહીં મળ્યા હોય.
આજે બંનેની આંખો વધુ વાતો કરી રહી હતી, હોંઠ કશુંક કહેવા ઇચ્છતા હતાં પણ શબ્દો આજે હડતાલ પર ઊતરીને બેઠા હતાં.
નિતેશે આખરે કહ્યું, "નિકિતા, કાલે શો છે, પછી કદાચ નહીં મળવાનું થાય, પેલી હીરોઇન ફરી આવી જશે નાટકમાં, એટલે હું પણ આ નાટક છોડી દઈશ,મને નહીં ફાવે."
નિકિતા હજુ શાંત હતી, કશું જ કહેવા તૈયાર નહોતી.
નિકિતાની બસ આવી ગઈ, નિતેશ એને જોતો રહ્યો કે ક્યારે નિકિતા બસમાં બેસે અને એ ત્યાંથી જાય, પણ નિકિતાએ બસને જવા દીધી.
નિતેશ માટે કદાચ આ ઈશારો પૂરતો હતો.
એ હિંમત કરીને નિકિતાની નજીક ગયો અને કહ્યું
"મારી જિંદગીની બાઇક પર એક સીટ ખાલી છે, બહુ દૂર સુધી જઈશું અને મજા કરીશું, આવીશ?"
નિકિતાએ એની ટ્રેડમાર્ક સ્માઈલ આપી અને બંને મુંબઈના વરસતા વરસાદમાં બાઈક પર જીવનની સફરે નીકળી ગયાં.
_ મહેન્દ્ર પ્રેમી 21.2.2019