રવિવારની સાંજે જો કોઈ બીજું કામ ના આવી પડે તો હું તમને થિએટરમાં ફિલ્મ જોતી જ જોવા મળું, કાલે સાંજે પણ મેં એક ફિલ્મ જોઈ...‘ચાલને જીવી લઈએ'...ગુજરાતી ફિલ્મ અને સાચું કહું, મને બહુ મજા આવી!
એ ફિલ્મમાં વાત હતી બાપ અને દીકરાની. જૂની પેઢીના બાપ અને આજના જમાનાના દીકરા વચ્ચેનો વિરોધાભાસ અને એ છતાં બંને વચ્ચે લાગણીનાં સેતુ અકબંધ! હિન્દી ફિલ્મમાં સરસ સીન શૂટ કરવા વિદેશી લોકેશન જોઈએ અહીંયા એવા જ મસ્ત સીન હિમાચલ પ્રદેશમાં શૂટ કર્યા છે અને ખૂબ સરસ રીતે બતાવ્યા છે! હીરોઈનને બર્ફીલા પહાડોની વચ્ચે ટુંકુ ફ્રોક પહેરીને નાચતી પણ બતાવી છે! ક્યારેક મજાક ઓવર થઈ ગઈ એવું લાગ્યું હતું પણ અંત સુધી પહોંચતા પહોંચતા બધું જ સરસ લાગેલું.
જ્યારે મેં છેલ્લો દિવસ ફિલ્મ જોયેલી ત્યારે જ થયેલું કે એમાં નિખિલ નામના છોકરાની એક્ટિંગ પણ સારી છે એને બીજી ફિલ્મ મળવી જોઈએ અને એને જ અહીં હીરોના રોલમાં જોઈને મને ખુશી થઇ. સિધ્ધાર્થ રાંદેરિયા વિષે કંઈ કહેવાની જરૂર ખરી? એમણે દરેક સીનમાં કમાલ કરી છે પેટ પકડીને હસાવ્યા છે તો મારા જેવી, જલદી ઈમોશનલ ના થઈ જાય એવીની આંખોમાંથી બે આંસુ પણ ટપકાવેલ! અરુણા ઈરાની અને લવની ભવાઈ વાળી હિરોઈન બંને ફિલ્મમાં જામે છે!
ફિલ્મની વાર્તા વિશે લખીને હું આપનો રસભંગ નહિ કરું પણ એટલું ચોક્કસ કહીશ કે બાપ દીકરાએ સાથે બેસીને આ ફિલ્મ જોવી... બહુ સારી ફિલીંગ આવશે. ગુજરાતીમાં આવી ફિલ્મ બનતી રહેવી જોઈએ. કામથી, જવાબદારીઓથી, સંબંધોથી કંટાળેલા માણસોને ભલે થોડીક ક્ષણો માટે જ, પણ નજીક લાવી દે એવી સુંદર ફિલ્મ, જોવાનું ચૂકતા નહીં “ચાલને જીવી લઈએ" ...???
છેલ્લી વાત: અમારી સાથે ફિલ્મ જોવા માટે એક પરિવાર એમના લગભગ નેવું વરસના દાદીમાને સાથે લઈને આવેલો! દાદી ચાલી ન શકે, એમની બંને પૌત્રીઓએ એમને બંને બાજુથી ખભા પકડીને ધીરે ધીરે ચલાવેલા, સીડીના દસ પગથિયાં ચઢતા એમને પંદરેક મિનિટ લાગેલી. દાદીને એમના જમાનામાં ફિલ્મ જોવાનો, ગુજરાતી ફિલ્મ જોવાનો બહુ શોખ હતો.. એમના પૌત્રએ આ ફિલ્મ જોઈ અને એમને એટલી ગમી કે ફરીથી એ આખા પરિવારને સાથે લઈને ફિલ્મ જોવા આવેલા, પથારીવશ દાદીમાને પણ સાથે લીધેલા... અને માજી પણ હિંમત કરીને ડગુમગુ ચાલતાં આવેલા..
તમે તો આરામથી ચાલીને ફિલ્મ જોવા જઈ જ શકો...?