Gujarati Quote in Whatsapp-Status by Jignasha Parmar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ છોકરાએ સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે-કોઇ નોકરી-ધંધો ન હોવાને કારણે હું કંટાળી ગયો છું. હવે નથી રહેવાતું-તેથી આ પગલું ભરું છું…આવું લખીને એ લટકી ગયો. નોકરી ન મળવાને કારણે એ જીવતે-જીવત જેટલું તરફડ્યો હશે-એનાં કરતાં વધારે તરફડાટ લટકી ગયાની થોડી સેકંડોમાં એણે અનુભવ્યો હશે…પણ એ ગયો…જતો રહ્યો. હવે પાછો નહીં આવે.
પાર્થ પ્રજાપતિઓને આવી રીતે લટકી જતાં અટકાવવા હશે તો હવે આપણી પાસે એક જ રસ્તો બચ્યો છે-આપણે ખોટે-ખોટી વાહ-વાહી બંધ કરવી પડશે. આપણે હવા ભરવાનો પંપ નહીં પણ પૂરતી હવા મળી રહે એવું વાતાવરણ બનવું પડશે.
આવનારી પેઢીને આપણે શીખવવું પડશે કે-બધું હાથવગું નથી હોતું. એમને સમજાવવું પડશે કે સફળ થવા માટે એક જ ચીજ જરૂરી છે અને એ છે નિષ્ફળતા. જીંદગી ફેસબુકની લાઇક્સ કે ફેસબુકની કોમેન્ટ જેવી સહેલી નથી. જીંદગી-જીંદગી જેટલી જ અઘરી છે.
આપણે એમને ’ના’ નો સામનો કરતાં શીખવવું પડશે. રિજેક્શનનો સ્વીકાર કરવો જ પડે-એવું પ્રેમથી સમજાવી શકાય તો પ્રેમથી-નહીંતર કાન ખેંચીને પણ સમજાવવું પડશે. એમને કહેવું પડશે કે અગાશી પર જવું હોય તો રસ્તામાં આવતા દરેક પગથિયાં ચડવા જ પડે, સીધું અગાશીએ નથી પહોંચી શકાતું.
કવિ સંમેલનોનાં આમંત્રણો, લેક્ચરો, સંચાલનો-આ બધું એમનેમ નથી જ મળતું. આ માટે સાધના કરવી પડે. વર્ષોની સાધના. સારું લખવું એટલું જ પૂરતું નથી-એને સારી રીતે રજૂ કરતાં પણ આવડવું જોઇએ. એમાં ભાષા શુધ્ધિ પણ જોઇએ અને આત્મવિશ્વાસ પણ. ફેસબુક પર ભરાતાં કવિ-સંમેલનો અને ઓડિટોરિયમમાં ભરાતા કવિ-સંમેલનો વચ્ચે બહુ ફરક છે.
આપણી ખોટી વાહવાહી સામેનાં માટે મોટી મુશ્કેલી ઊભી કરી દે છે-એ સર્વશ્રેષ્ઠ હોવાનો ખ્યાલ આપી દે છે-જ્યારે ફેસબુકનાં વિશ્વમાંથી બહાર નીકળી અસ્સલ દુનિયાનો સામનો કરવાનો સમય આવે છે ત્યારે આ ખોટી વાહ-વાહી, સર્વશ્રેષ્ઠતાનો ખ્યાલ વિનાશ નોતરી દે છે.
માત્ર ટેલેન્ટ હોવી એ પૂરતું નથી જ. દરેક ફિલ્ડની જેમ કવિતામાં પણ સ્થાપિત હિતો છે જ. એમનું સ્થાન લેવું હોય તો વર્ષો મહેનત કરવી પડશે. એક જ દિવસમાં કોઇને કશું મળવાનું નથી જ. અહીંયા પણ આગળ વધતાં રોકવામાં આવશે. આ બધાં અંતરાયો વચ્ચે આગળ વધવાની માનસિક તૈયારી જોઇશે. તમારા સ્ટડી ટેબલથી મુશાયરાનાં મંચ સુધીનો રસ્તો ક્યારેય ચાર ડગલામાં પૂરો થવાનો નથી. ક્યારેય એનાં પર ગુલાબ પથરાયેલા નહીં હોય- કાંટા પણ હશે. મંચ સુધી પહોંચતા પગ લોહીલૂહાણ થશે અને હૈયું ચીરાશે-એની તૈયારી રાખવી પડશે. એક તાળી પહેલાં સો અવહેલના આવશે-એ માટે જાતને તૈયાર કરવી પડશે.
રોજ ઘરમાં એક માંચડો તૈયાર કરવો પડશે અને દિવસભર મળેલી નિષ્ફળતાઓને એ માંચડા પર લટકાવવી પડશે અને સવારે નવા ઉત્સાહ, નવા જોશ અને નવા જોમ સાથે ફરી આગળ વધવાની તૈયારી શરૂ કરી દેવી પડશે.

-એષા દાદાવાળા

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111072882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now