નિસર્ગને નરીઆંખે નીરખવાની મજા પડી ગઈ.
પ્રકૃતિ તારે રૂપ નવતર ધરવાની મજા પડી ગઈ.
કલકલ કરતાં વહેતાં ઝરણાં સંગીત સંભળાવે,
પર્વત પરથી જાણે એને સરવાની મજા પડી ગઈ.
બાગબગીચે વસંતાગમને હરિયાળી હર્ષ પામતી,
કોકિલ ટહૂકારને ભ્રમરને ગૂંજવાની મજા પડી ગઈ.
વહ્યાં વારિ વર્ષાગમને શેરી ગલી રસ્તા છલકાવી,
બનાવી હોડી એમાં તરતી મૂકવાની મજા પડી ગઈ.
વર્ષાવિરામે આભે રચાઈ સપ્તરંગી સજાવટ કેવી!
ઇન્દ્રધનુના આકારે વ્યોમને સજવાની મજા પડી ગઈ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '