સૃષ્ટિ તારી કેવી હરિવર સદાકાળ સુંદર છે.
પ્રકૃતિ નવલાં રૂપે નિરંતર સદાકાળ સુંદર છે.
ઊભા ઉન્નત અવિચળ અંબર આંબનારા,
સોહે અવની પર ગિરિવર સદાકાળ સુંદર છે.
શીળાંનીર સર્વને આપતી અંબુજા નિર્મળ,
લોકમાતાનું બિરુદ સાદર સદાકાળ સુંદર છે.
કલકલ કરતાં વહેતાં ગીત મધુરાં જે ગાતાં,
પિતા પર્વત ઘર માતબર સદાકાળ સુંદર છે.
બાગબગીચા વનઉપવન હરિયાળી હેતાળી,
સંભળાય કોકિલ ટહૂકાર સદાકાળ સુંદર છે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '