એક ડગલું ચાલવામાં લ્યો, વરસ પૂરું થયું;
પંથ કપરો કાપવામાં લ્યો, વરસ પૂરું થયું.
ગ્રંથનો આખોય દરિયો પાર કરવો’તો છતાં;
બે’ક’ પાનાં વાંચવામાં લ્યો, વરસ પૂરું થયું.
આમ તો બત્રીસ ભોજન પીરસ્યા’તા પ્રેમથી;
સ્વાદ થોડો ચાખવામાં લ્યો, વરસ પૂરું થયું.
ના જરા પૂછી શક્યો આખા જગતની હું ખબર;
જાતને સંભાળવામાં લ્યો, વરસ પૂરું થયું.
- નીતિન વડગામા