કોઈપણ કામ શરૂ કરવું કદાચ બહુ અઘરું ન પણ પડે, એ કામ શરુ કરવાના નિર્ણય લેવાની વાત જ સૌથી પહેલાં કપરી લાગતી હોય છે.
બની શકે કોઈ મારાં જેવાં આરંભે સૌ શૂરાં હોય ! પણ નિર્ધાર કર્યો એજ પહેલી જીત એમ કહીએ તોય ઓછું ન આંકવું જાતને. છતાંય છેવટ સુધી કાર્યનો છેડો છોડીએ નહીં એટલે ભયોભયો ! બની શકે કોઈ કાર્ય જોશમાં ને જોમમાં તુરંત આરંભાઈ ગયું હોય, પાછળથી તેને પૂર્ણતઃ આટોપતાં ખૂબ સમય લાગે. ગોકળગાય જેવી ભલેને ધીમી ગતિ હોય, મહત્વનું તો એજ છે ને કે આગળ ધપવાની ક્રિયા સ્થગિત નથી થઈ! ત્યાં ભલેને કોઈ મોટું ભગીરથ ન પણ આદર્યું હોય. એકલા કે કોઈ સંઘસંગાથે નીકળ્યા હોઈએ એવી મંઝિલ પર જ્યાં રખેને પ્રખ્યાતિ કે ઝાઝી સફળતા મળશે એવું સુનિશ્ચિત ન પણ હોય તોય પહોંચવાનું નક્કી થયું છે, જવાની વેળાનું આગમન થઈ ચૂક્યું છે તો યા હોમ કરીને શાને ન વધવું? પાછા નથી વળ્યા, અને પાછા ફર્યા તોય કંઈક તો મેળવીને જ આવ્યા એવો જો આત્મ સંતોષ હોય તો એ લીધેલો નિર્ણય અભિવાદનને પાત્ર છે જ. ભલેને ખોબલા ભરીને શુભેચ્છાઓ ન પણ મળે. મને મજા આવી, મેં કંઈક કર્યું એનો આનંદ તો કોઈ ઉધારો માગી શકશે જ નહીં ને?
જો એ નિર્ણય તમારો છે, જે તમે જાતે નિભાવવાનો વિચાર કર્યો છે. તો પછી એમાં ફરિયાદ ન હોય, સૌ ફરી ફરી યાદ કરે એ રીતે એને પરિપૂર્ણ કરવાનો રહે છે.