નદી બનીને ખળખળ વહેવું છે મારે ને,
અનંત દરિયાની ખારાશમાં ભળવું છે મારે.
ભીની વરાળ બની નભે ચડવું છે મારે ને,
કાળી ડીબાંગ વાદળી બની સુર્યને ઢાંકવો છે મારે.
વીજળી બની જોરશોરથી કડકવું છે મારે ને,
આખા આકાશને નગારા સમું ધ્રુજાવવું છે મારે.
ટહુકતી ઢેલ બની મેઘને આવકારવો છે મારે ને,
હર્ષઘેલી ઢેલડીની જેમ થનગનવુ છે મારે.
ટીપું બની વાદળીથી વિસર્જિત થવું છે મારે ને,
ધરા પર પડી એને લીલવણી કરવી છે મારે.
તપીને તરડાયેલી પૃથ્વીની તિરાડોને જળમગ્ન કરવી છે મારે,
વર્ષાનું અમૃતથી બની એને તરબોળ કરવી છે મારે.
માટી સાથે મળી સુવાસ બની વાતને મહેકાવવું છે મારે,
ઠંડી હવા બની મેઘમાં મહાલનારને થીજવવા છે મારે…
મેઘધનુષ્યનાં રંગો બની આભને લીપવું છે મારે ને,
સુસવાટો પવન બની પર્ણપુષ્પોને જુમાવવા છે મારે…
બે ઘડી ભૂલીને સઘળું, પ્રકૃતિમાં ભળવું છે મારે,
કંઈક આવી જ રીતે પ્રકૃતિથી સામંજસ્ય સાધવું છે મારે...