ઘર ના સૌ મોડે સુધી સૂતા છે મસ્ત
એક કપ ગરમ ચા ની લાગી છે તલબ !
પણ રસોઈ ને ઘરકામ ને મૂકી ને બાજુમાં
ચાલ ને ,આજે હું યે થોડી આળસ પી લઉં !!
સમય પાસે થી સમય હું યે ચોરી લઉં
ફુરસદ નો એક સ્લોટ ગોઠવી દઉં
નિહાળું અરીસા માં જાત ને વારંવાર
ચાલ ને, હું યે ખુદ ના જ પ્રેમ માં પડી જાઉં !!
અણગમતી યાદો નું પોટલું બનાવી દઉં
જલ્દી એને વાસણ વાળી ને આપી દઉં
ગમતી યાદો ની ચોકલેટ બનાવી દઉં
ચાલ ને ,મોં માં બસ એ જ મમળાવતી રહું !!
ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે કરું
અધખુલ્લી આંખે મનભાવન સપનાં જોઉં
કોરા કાગળ પર કલમ ને કંડારી
ચાલ ને ,આજ ખાલી ' કવિતા ડે' મનાવું !!