પડછાયા ની પીડા
હા, હું પડછાયો…
અજવાળું મારો ગુરુ… જેટલું અજવાળું વધારે એટલો મારા અસ્તિત્વ નો નિખાર વધારે. અને અંધારુ મારો જીવનસાથી. અંધારાની આગોશમાં ખોવાઈ જવું મને ખૂબ ગમે! હજુ એક છે મારો સંગાથી.
એની સાથે જ મારો જન્મ થયો. એના ઘાટથી મારો ઘાટ ઘડાયો. જન્મથી લઈને આ ક્ષણ સુધી અમે ક્યારેય અલગ નથી થયા. બધેજ એની સાથે… એની માટે તો કેટલાય અજાણ્યા પડછાયાઓ નીચે કચડાયો! પણ આજે…
આજે પ્રખર અજવાળામાં પણ હું કૃષકાય છું… અંધારૂં પોતાની આગોશમાં સમાવતા ડરે છે… મારો સંગાથી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લે છે, અને હું પણ! છતાં મારુ અસ્તિત્વ નષ્ટ નહિ થાય… માત્ર રાખના નાનકડા કણોના પડછાયાઓ બની ને વેરવિખેર થઇ જશે!
અમિષા શાહ _અમી