.............#.... રુદ્રાક્ષ....#.............
...................( ભાગ - ૧).............
રુદ્ર (મહાદેવ)ના અક્ષ(આંસુ) એટલે રુદ્રાક્ષ...
દેવાધિદેવ મહાદેવ કહે છે કે,
ત્રિપુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’
.….....****.....****.....***......
રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
રુદ્રાક્ષ લગભગ ૧ મિ.મી.થી ૩૫ મિ.મી. સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રુદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી.
રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે.
રુદ્રાક્ષ ખાટું, ઊષ્ણ તથા રુચિકર છે. તે ઔષધ તરીકે પણ વપરાય છે. આ બીજ વાયુ, કફ, માથાની પીડા, ભૂતબાધા અને ગૃહબાધાનો નાશ કરે છે એમ મનાય છે.
શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.
(ક્રમશઃ)