શું મેળવીએ તાળો ?
શું મેળવીએ તાળો ?
વૃક્ષો પાસે હોય ક'દિ કંઈ કૂંપળ નો સરવાળો ?
શું મેળવીએ તાળો ?
વારેવારે કેમ પૂછો છો કારણ શું ઉગવાનું ?
પંખી પાસે પ્લાન હોય કંઈ ક્યાંથી ક્યાં ઉડવાનું ?
ઈચ્છા થઈ તો બે ચાંચોએ બાંધ્યો રૂડો માળો !
શું મેળવીએ તાળો ?
સપનાં આવે ભમવા તો શું નીંદર એને રોકે ?
આંસુ નીકળે રમવા તો શું પાંપણ એને ટોકે ?
સોનાવરણું સ્મિત મળ્યું તો પળ પળને અજવાળો.
શું મેળવીએ તાળો ?