વાંક કોનો???
આજે એક સત્ય ઘટના રજૂ કરવી છે. વાત સાવ નાની છે, પરંતુ વિચારવા માટે મજબૂર કરે એવી છે.
આજે મારી ઢીંગલીને પ્લે સ્કુલમાં લેવા ગઈ તો જોયું કે એના જેવડાજ બે કુમળા બાળકો એક રમકડા માટે ઝઘડતા હતા. કોઈ ટીચર કે આયા બહેન નું ધ્યાન નહોતુ. મેં બસ અવલોકન ચાલુ રાખ્યું. થોડી ખેંચતાણ પછી એક બાળકે બીજા બાળક ના માથા પર જોર જોરથી સાત આઠ ટપલી મારી દીધી. હજુ પણ કોઈએ એ તરફ ધ્યાન આપ્યું નહોતું. બીજા બાળકે આજુબાજુ જોયું, છેવટે તેણે પણ સામે ટપલી મારવાનું શરૂ કર્યું. બે ટપલી અને તરતજ આયા બહેને આવીને બંનેને છૂટા પાડ્યા અને છેલ્લે મારનાર બાળક પર થોડો ગુસ્સો કર્યો.
અહીં સુધી કદાચ તમને આ બધુ નોર્મલ લાગતું હશે પણ ખરી વાત હવે...
પહેલા હાથ ઉપાડનાર બાળક એક છોકરી હતી અને માર ખાનાર એક છોકરો! આ આખી ઘટનામાં વાંક કોનો? રમકડા માટે લડતા એ બાળકો નો, કે છોકરા અને છોકરી વચ્ચે ભેદભાવ રાખનાર આપણી પેઢી નો?
ટુંકમા એક જ સવાલ... જેમ આજે સ્ત્રી ને પુરુષ સમોવડી બનાવવા માટે અભિયાન ચલાવવું પડે છે, એમ ભવિષ્ય મા પુરુષ ને સ્ત્રી સમોવડો બનાવવાનું અભિયાન તો નહિ ચલાવવું પડે ને! શું વર્તમાનમાં આપણે બંને સાથે તટસ્થ વ્યવહાર ન રાખી શકીએ?
ચતુર કરજો વિચાર....
અમિષા શાહ _અમી.