આ શ્વાસોમાં ભરી છે જે હવા , વળતર તે માંગે છે ,
થયેલી ખોખલી ભીંતો ,હવે ચણતર તે માંગે છે .
ભણેલા છે અભણ આ લાગણીમાં,આ બધા માનવ,
ને જીવન સાચું ,નામે લાગણી ભણતર તે માંગે છે.
બધાને તો અહીં તો લાભ ઉઠાવી જ લેવો છે ,
ખરીદીમાં બધે માનવ હવે પડતર તે માંગે છે.
નથી એની આ વય કે તે કમાવા આમ દોડે છે ,
આ લાચારી ,જે દફતર બદલે આ ઘડતર તે માંગે છે.
નયનમાં ભાર ને આજીજીની આ જિંદગીમાં,બાળ
જરી આશાની સાથે ભણવા નિજ દફતર તે માંગે છે.
સુમન જેવી કૂણી લાગણીઓ થઇ ગઈ ઘાયલ ,
આ કારણથી હવે તો લાગણી બખ્તર તે માંગે છે.
બધાને રસ પડે શણગારમાં -દેખાવમાં ,તેથી
હવે આ સાદગી છોડી સદા જડતર તે માંગે છે.
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'