?થોર ની આત્મકથા ?
✍?:હસમુખ જોષી
સજ્જનો અને સન્નારીઓ, મારાથી દૂર ભાગતા પહેલા મારી થોડી વાત સાંભળી લો તો સારું, મારી આ કાંટાળી દેહલતા નો તો કેટલો ઉપયોગ છે એ જાણીને તમે ચકિત થઈ જશો. હું ખેતરોનું રક્ષણ તો કરું જ છું પણ બીજા કેટલાય પંખીઓનો અને તેમના માળાઓ, બચ્ચાંઓનો પણ રખેવાળ છું. અગણિત ઔષધીય વેલા વેલીઓ મારા પર ચડી જઈને પોષણ મેળવે છે, નોળિયાં, શેળા, કાંચડા કે સસલાં જેવા નાના નાના પ્રાણીઓ મારા આશરે આવીને નિર્ભયતા મેળવે છે તો ખેતરપાળ કહેવાતા નાગરાજને પણ મારા વગર ચાલતું નથી. કેટલાય ટચૂકડાં જીવજંતુઓ મારાથી જ સલામત છે. બકરાં તો મારા કુમળા પાન ભારે મજાથી કટકટાવે છે.
ગમે તેવો દુષ્કાળ પડે તો પણ હું ગભરાતો નથી કેમ કે મારા પોતાનાં જ અંગમાં પાણીનો કે ક્ષીરનો એટલો સંગ્રહ કરી લઉં છું કે મને સુકાવવાની કોઈની તાકાત નથી. મારું એક અંગ કાપીને જમીનમાં રોપી દો એટલે તરત જ હું ત્યાં નવા જીવનનો પ્રારંભ કરી દઉં છું, નથી કોઈ સંભાળ લેવી પડતી કે નથી મને પાણી પાવું પડતું ! ગમે તેવી પથરાળ જમીન પણ મને વિકસતા રોકી નથી શકતી. મારાથી બનેલી વાડને ભેદીને આરપાર જવાની કોઈની તાકાત નથી કે એવી હિંમત કોઈ કરતું પણ નથી. ઊંચાઈમાં તો વીસ વીસ ફૂટથી પણ વધુ ઊંચે વધી શકું છું. હા, જો મને કાબુમાં રાખવામાં ન આવે તો ક્યારેક આખા ખેતરને પણ ગળી જાઉં ! જેવો દેશ તેવો વેશ ધારણ કરવામાં કાબેલ છું એટલે તમને મારા અનેક સ્વરૂપો જોવા મળશે. મારા થડ અને ડાળીઓને તો એવા મજબૂત અને ભરાવદાર બનાવું કે ક્યારેક મોટા મોટા ઝાડ પણ મારી પ્રગતિ જોઈને શરમાઈ જાય અને એટલે જ હું ગરીબોનાં ચૂલાનું ઉત્તમ ઈંધણ છું, ગામડાનાં ચૂલાઓ મારી મદદ વગર પ્રગટે જ નહી. આમ મારા ઉપકારનો પાર નથી. ખેડૂતો હવે મને છોડીને તારની વાડ તરફ વળ્યા છે ત્યારે અનેક વનસ્પતિ, અનેક પંખીઓ અને અનેક પ્રાણીઓ ચિંતામાં પડી ગયા છે અને મને મારી નહી પણ એમની વધારે ઉપાધિ થાય છે. જો કે મારા કેટલાક ગેરફાયદા પણ છે પણ એની વાત ક્યારેક કરીશ.
વિદ્વાન જાણકાર મને પાઈપ કેક્ટસ જેવું ભારેખમ નામ આપે છે તો ગામડામાં તો મારા અનેક નામો છે, કોઈ મને મને ડીંડલો કહે તો કોઈ ડીંડલીયો થોર કહે, કોઈ વળી ઊભડો થોર પણ કહે, મારા કાંટા જોઈને કોઈ મને કંટાળો પણ કહે, મારા સુકા બળતણને ભૂંભલાં કહે, જેવો પ્રદેશ તેવું નામ, તમારે ત્યાં શું નામ ચાલે છે એ જણાવશો મિત્રો ?
આટલા ગુણ જાણ્યા પછી મને ભેટી પડવાનું મન થયું હોય તો દૂર રહીને રામ રામ કરજો. વધારે નજીક આવશો તો ચામડી નહી તો ખમીસ તો ફાટશે જ ! પછી મારો વાંક કાઢશો નહી. ચાલો ત્યારે આવજો, ફરી મળીએ ત્યારે આપણી મિત્રતા વધારે ગાઢ બની હશે એ નક્કી !