વડા નું નૈવૈદ્ય ધરાવી ને સીમા ચા નો કપ લઇ ને હીંચકા પર બેઠી. પગ ની ઠેસ થી હીંચકા ને હળવેક થી ધક્કો મારતાં ડાયવોર્સ પેપર સામે જોઈ ને એ વિચારી રહી .. ક્યાં કરતાં શું ખોટું થઇ ગયું ? મીઠાશ થી શરુ કરેલું દાંપત્યજીવન ક્યારે લડાઈ, ઝગડા, વાદ, વિવાદ, ચર્ચા..લડાલડી, બૂમાબૂમી, ઘાંટાઘાંટ, કકળાટ .. વગેરે માં ફેરવાઈ ગયું..એ સમજ જ ના પડી. આજે સહી કરી ને પેપર્સ મોકલું એટલે આ કકળાટીયા જીવન નો અંત !
બેલ વાગી .કામવાળી કમળા ને જોઈ ને તે ચોંકી ઊઠી. એના શરીર પર લાલ ચકામાં હતાં ને બધે સોળ ઉઠેલા હતાં. “ આ શું કમળા ? તું કેમ આ બધું સહન કરે છે ? તારો વર આટલી મારઝૂડ કરે છે તો તું એને છોડી કેમ નથી દેતી ? “ “ બહેન , દારૂ પી ને આવે એટલે મારઝૂડ કરે છે પણ સામું પ્રેમ બી એટલો જ કરે છે. એના સિવાય કોણ મારું ધ્યાન રાખે છે ? દરેક વ્યક્તિ માં કંઇક તો કમી હોય જ ને ! એટલામાં એને છોડી દઉં ? એમ કંઈ એક ભવ માં બે ભવ થોડા થાય છે ?” કહી ને કમળા કામ કરવા રસોડા માં જતી રહી.
હિંચકે બેસી ને સીમા એ સામે પડેલા ડાયવોર્સ પેપર ફાડી નાખ્યા. કાળીચૌદસ ના દિવસે વડા સાથે મન નો કકળાટ પણ કાઢી નાખી ને એણે ખરા અર્થ માં ચૌદસ ઊજવી.