#LoveYouMummy
વ્હાલી માઁ,
આમ જોઈએ તો તને પત્ર લખાય જ નહિ, તારા માટે તો આખો ગ્રંથે'ય ઓછો પડે...
તું મીઠા જેવી છે તારી હાજરીની ક્યાંય નોંધ લેવાતી નથી પણ ગેરહાજરી બધું જ બેસ્વાદ બનાવી નાખે છે..ખબર છે અમે તારા પર ઘણીવાર ગુસ્સામાં ગમે એ બોલી નાખીએ છીએ પણ માઁ ગુસ્સો કરવાનો હક પણ બહુ નજીકના લોકો પર જ હોય છે.
તારા સાથેનો મારો સંબંધ દુનિયા કરતા 9 મહિના પહેલાનો છે..તારું ઋણ તો કદાચ હું કોઈ દિવસ ઉતારી નહિ શકું ને સાચું કહું તો મારે ઉતારવું પણ નથી મારે હંમેશા તારા ઋણી જ રેહવું છે..પપ્પાને અમે 'તમે' કહીને બોલાવીએ છીએ ને તને અમે તુંકારાથી, મને ઘણી વાર થાય છે કે તને માન આપું તને પણ તમે કહું પણ એવું કહેવાથી પોતીકાપણુ ઓછું થઇ જતું હોય એમ લાગે છે કેમ કે હું તારો અંશ છું.
પપ્પા કમાઈ લાવે છે એને કદાચ ધન કહેવાય પણ તું જ એનું લક્ષ્મીમાં રૂપાંતર કરે છે... અનાજને ભોજનમાં પણ તું જ પરિવર્તિત કરે છે.તને હંમેશા એવું કહેતા સાંભળી છે કે મેં કોઈ દિવસ નોકરી નથી કરી કે ઝાઝું ભણી નથી..પણ તે એક ઘર અને અમને સંભાળ્યાં છે એ પણ કોઈ પણ જાતના વેતન વગર ને એ કોઈ નોકરી કરતા ઓછું નથી...ભગવાનએ તને એની બાજુમાં લગોલગ બેસાડી છે.એટલે જ કદાચ ભગવાનને પણ માઁનું વધારે મહત્વ છે... કૃષ્ણ એ "માતૃ હસ્તે ભોજનમઃ " વરદાન માંગીને હંમેશાને માટે દરેકને સંતોષની પ્રાપ્તિ કરાવી છે.
ટૂંકમાં એટલું કહીશ કે તારા માટે કોઈ પણ ઉંમરે હંમેશા હું તારું નાનું બાળક જ રહીશ. જેને તું આંગળી પકડીને ખરું ચાલતા શીખવજે.
તારી દીકરી.