એક પતિ-પત્નીની વાત છે. બંને વચ્ચે નાની-નાની વાતમાં ઝઘડા થાય. પત્ની દરવખતે સંબંધ બચાવવાની કોશિશ કરે, પણ કામયાબ ન થાય. પતિએ એક દિવસ કહ્યું કે બહેતર એ છે કે આપણે ડિવોર્સ લઈ લઈએ. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. પત્નીએ કહ્યું, હું એમ કંઈ શાંતિથી તને છોડવાની નથી. હવે તું પણ જોઈ લેજે. પત્નીને એના પિતા સાથે આ વાત થઈ. દીકરીએ કહ્યું કે, હું એને બતાડી દેવાની છું! મારી સાથે ખોટું કરી એણે બહુ મોટી ભૂલ કરી છે. પિતાએ કહ્યું, તારે શું બતાડી દેવું છે? બતાવીને પણ તારે શું સાબિત કરવું છે?
પિતાએ કહ્યું, તું નાની હતી ને ત્યારે મેં તને એક રમકડું અપાવ્યું હતું. એ રમકડું તને બહુ જ ગમતું હતું. તું આખો દિવસ એનાથી રમતી. એક દિવસ એ રમકડું પડી ગયું અને તેના ટુકડા થઈ ગયા. તેં સાંધવાની કોશિશ કરી, ન સંધાયું. એ વખતે મેં તને કહેલું કે એ રમકડું છોડી દે. હવે તેમાં કશું રહ્યું નથી. તું એ છોડતી નહોતી. રોજ સાંધે અને રોજ તૂટે. તને ખબર છે પછી તને એનાથી રમવાની મજા ન આવતી. તને એ જ ચિંતા રહેતી કે આ રમકડું પાછું તૂટી જશે તો? એ તો તૂટવાનું જ હતું! રોજ તૂટવાની ચિંતા કરવી એના કરતાં એ છોડી દેવું સારું, એવું મેં કહ્યું હતું. આજે પણ એ જ વાત કરું છું. ટુકડે-ટુકડે મરવાનો કોઈ મતલબ નથી હોતો. એને બતાવી દેવામાં તું તારું કેટલું બગાડી રહી છે એ વિચારજે. આટલી જિંદગી બગડી એ ઓછી છે, તે તારે એને બતાડી દેવામાં વધુ બગાડવી છે?