શીર્ષક : ' માણસ' કેવું જીવી ગયો .
જે દી હતો પારણામાં તે દી ,
રમાડે એમ રમતો ગયો ;
ઝાલી આંગળી માવતરની ,
સીડી જીવનની ચડતો ગયો .(૧)
જ્ઞાન માટે નિશાળે ગયો ,
માસ્તર ભણાવે એમ ભણતો ગયો ;
ભણી ગણી પારંગત બની ,
યુવાનીમાં પગ મેલતો ગયો ...(૨)
મૂછે વળ દેતા દેતા ,
છલાંગ ઈ ભરતો ગયો ;
મળે મોકો ગમે ન્યા,
મીઠો ઘા મારતો ગયો ...(૩)
નોકરી કરી ધંધા ઘણા ,
પાર બધું પાડતો ગયો ;
ચાખી સ્વાદ સફળતાનો ,
નશા માં એ ડૂબતો ગયો ...(૪)
સમાજનો એક ભાગ માની ,
કામ બધા ને આવતો ગયો ;
જેવા સાથે તેવા માની ,
વ્યવહાર કુશળ કરતો ગયો ...(૫)
સમય ના વહેણમાં તણાતો તણાતો ,
સમય સાથે બદલાઈ ગયો ;
કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી ,
સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો ...(૬)
ખીસું નથી કફનમાં છતાં ,
એજ ખીસાને ખોળતો ગયો ;
ખાલી હાથ જવાનું છતાં ,
બેલેન્સ બધાનું કરતો ગયો ...(૭)
અંતે જડી વેળા એ ઘડપણ ની ,
લાકડીના ટેકે ચાલતો ગયો ;
ઝાલી લીધી હાથમાં માળા ,
પ્રભુનું નામ જપતો ગયો ...(૮)
મળ્યું એકાંત જે દી એને ,
સ્મરણ જીવન નું કરતો ગયો ;
લમણે હાથ દઈ બેસી ખૂણા માં ,
ચોધાર આંસુ એ રડતો ગયો ...(૯)
ભોગવ્યા સુખ જીવન માં બધા ,
ફરજ એક ચુકી ગયો ;
ભગવાન હતા ઘરમાં છતાં ,
સેવા નો અવસર વિસરી ગયો ...(૧૦)
ખોળિયું છોડવા મથે પ્રભુ ને ,
હાથ જોડી કરગરતો ગયો ;
વિચારે છે કવિ આજે ,
'માણસ ' કેવું જીવન જીવી ગયો ...(૧૧)
???