આજ કરવાં'તાં મને ય, હેતપ્રેમનાં પારખાં, ચાહનાનું પાત્ર લઇ ભિક્ષુક ભમું છું ભોમકા!
સુરખિભરી લાલિમા,
ગાલે ઝરી 'તી, કુમારિકા! જોતરી'તી જાતને,
વય ઘણી નાની હતી!
વિદ્યા વહન સંગાથ, ઘરકામમાં ભેળાં ભળયાં!
ચાલ, અે સહુ સગપણોની પાસ જઈ અંતર ભરું,
ચાહનાનું પાત્ર લઇને પ્રેમથી ભરચક કરું!
યૌવને ના વિલાસ -ક્રિડા,
ઉરે ધરી'તી બસ પરિજન પીડા,
અર્થ ઉપાર્જન કાજ ચરણ ઘસડયાં કીધાં!
ચાલ, અે સહુ સગપણોની પાસ જઈ અંતર ભરું,
ચાહનાનું પાત્ર લઈને પ્રેમથી ભરચક કરું!
ઉમંગ ધરી સંસાર કીધો,
સ્વાસ નિરાંતી લીધો ન લીધો,
દવા, કારજ, દેવાં મહીં છેક ડૂબ્યાં!
ઉદાસી કેરા ગહન જંગલ ઝળૂબ્યાં!
ચાલ,અે સહુ સગપણોની પાસ જઈ અંતર ભરું,
ચાહનાનું પાત્ર લઇને પ્રેમથી ભરચક કરું!
પણ રે! રે! વિષમતા ઘણી વસમી હતી!
ઈશે મને ય કસોટીઅે કસવી હતી!
શોણનાં સંબંધ પણ કાચાં પડ્યાં!
હેતનાં હેલાર સૌ પાછાં પડ્યાં!
ખાલીખમ પાત્ર લઇને ચરણ પાછાં વાળતાં,
ગૃહ દ્વારે સંચરું, ત્યાં વત્સલ પુત્રી વલવલે,
નાની શી બાલિકા નિજ જનની કાજે હલબલે!
હા, હું પુત્રી! બાથ ભરું ત્યાં નયન નમણાં ઝળઝળ્યાં!
અરે! ઉર ધરું ત્યહીં તો, આ શું?
પાત્ર મુજ ચાહનાથી છલછલ્યાં!
કેવળ સ્નેહ તણું અમીબુંદ ચાહ્યું,
ત્યાં તો દરિયા ખળખળ્યાં!
વત્સલા, તું થી શરુ થાય સહુ સગપણો,
તું વિણ અધૂરા,
સગપણોનાં આેરતા હવે થઈ ગયા'તા પૂરા!
' તપસ્યા ચૌહાણ '