#kavyotsav
વિષય: મિત્રો, સંબંધ, લાગણી.
શીર્ષક: જો જો હોં....
જો જો હોં
જરા ધ્યાન રાખજો...
એમ ના સમજશો ક રસ્તે ચાલતા
સીટીઓ વગાડી, પટાવી,ફોસલાવી,
ટઇડકાવી, ડરાવી, ધમકાવી, નિચોવી-નિતારી,
વળ પર વળ ચઢાવી, અડધીપડધી બાળી
કે જીવતા જલાવી,
અમારા દેહની સાથે તમે અમને પણ
નષ્ટ કરી શકશો.
ધ્યાન રાખજો 'ફિનિક્સ પંખી 'ની જેમ
રાખમાંથી પણ ઊભા થઈશું.
અમારા સ્વાભિમાનને છંછેડશો નહીં.
માત્ર નારી નથી રહ્યાં અમે,
સદંતર નખશિખ સબળ અસ્તિત્વ બની ચૂક્યાં છીએ.
અમારી ઉચ્ચ ગ્રીવાને જરાય નીચે ના પડવા દેશો,
નવલખો હાર પહેરાવોને તો પણ.
અમારી કાળી કીકીઓ વચ્ચે સિફતથી સંતાડેલા આક્રોશે તમને હવે નખશિખ માપી લીધા છે.
અમારા કાતિલ સ્મિતની પ્રશંસા કરી કરીને તો
મૂકી દીધા છે સાતમાં આસમાને.
'ચાંદી જેસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ'
ધનવાન કહીને તો મૂકતાં ગયાં છો કંગાલ સ્થિતિમાં
બસ, હવે બહુ થયું.
અમે તેજાબના દાઞેલાં છીએ,તમારી મીઠાશને પણ ફૂંકીને પીએ છીએ.
ફૂંકીને પીજો તમે પણ, અમે આપેલું પાણી.
જીંદગી ખુબ સુંદર છે. અમારી સાથે ચાલો,
અસ્ખલિત પ્રેમઞરણ વહાવો.
અને ગાઓ..
'એક તુહી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ'
*****( પારુલ મહેતા)