#kavyotsav
માઁ નો તું અંશ છે બેટા, ઓળખ છે તું પાપા ની,
કરે છે ઘણી રકજક તો'ય, ઘણી લાડલી તું ભાઈ ની.
લક્ષ્મી જેને ઘેર પધારે, ઝૂંપડી'યે લાગે મહેલ,
તારી સાથે તો ગૂંથાય ગયેલ છે, લીલી લાગણીઓની વેલ.
મમ્મીનો તું છેડો ઝાલી, પજવ્યા કરતી તું,
પપ્પાની'યે માઁ બની ક્યારેક, ખખડાવ્યા કરતી તું.
ઘડી આવી છે આંગણે હવે, વાગશે મીઠી શરણાઈ,
લાગશે લાડલી પાનેતરમાં, જાણે લજામણી શરમાઈ.
પારકી થઈ જઈશ પોતાનાથી, આંખડી ભીની થશે સહુની,
પારેવું બની ઉડી જઈશ, મૂકી ને મમતા મહિયરની.
જઈશ સાસરે કાલે તો'યે, અહીં ધબક્યા કરીશ તું,
મન નાં ટોડલે કોયલ બની, ટહુક્યા કરીશ તું.
તું માઁ નાં હૃદયનો ધબકારો, તું છે પાપાનો શ્વાસ,
ઈશ્વર એને દીકરી દેતા, હોય જેના પર વિશ્વાસ.
- Nikee