#તાજો_પ્રસંગ
હું બાઈક લઈને ગામ તરફ જવા નીકળ્યો. મારી પાસે સ્પોર્ટ્સ બાઈક છે પણ હું ધીમે અને શાંતિથી જવામાં માનું. એટલે બાઈકની સ્પીડ 35-40. ગામ તરફનો રસ્તો પણ બિસ્માર. એટલે હળવે જવું જ હિતાવહ હતું. મારી પાછળ બે યુવાન છોકરા બીજું બાઈક લઈને આવતા હતાં, ઉંમર લગભગ બારમું ધોરણ પૂરું કર્યા જેટલી. એમની પાસે સામાન્ય બાઈક હતી, મારી બાઈકની નજીક આવી એ બન્ને મારી તરફ જોવા લાગ્યા, અંદર અંદર કઈ વાત કરી, હસતાં હસતાં મારી સાઈડ કાપી ઝડપભેર નીકળી ગયા. મેં મનોમન વિચાર્યું કે આ લોકોએ મારો મઝાક ઉડાવ્યો હશે, સ્પોર્ટ્સ બાઈક લઈને આટલી ધીમી સ્પીડમાં હું જાઉં છું તો એમને લાગતું હશે કે આવી બાઈક અમારી પાસે હોત તો હવામાં ઊડીને ચાલ્યા જતાં.
મેં બહુ ધ્યાનના આપ્યું અને માન્યું કે એમની ઉંમરમાં આવા વિચારો આવવા સ્વાભાવિક છે. અને હું જે સ્પીડમાં જતો હતો એમાં જ આગળ વધ્યો. ત્રણ કે ચાર કિલોમીટર પછી એક નહેરનો બ્રિજ આવે બન્ને તરફ ઢાળ. ઢાળ ચઢી હું બ્રિજ ઉપર પહોંચ્યો ત્યાં થોડે આગળ બે ત્રણ ગાડી વાળા, થોડા બાઈક વાળા અને એક સરકારી બસ ઊભી હતી, એક ટોળું પણ વળ્યું હતું. પાસે જઈને જોયું તો મારી આગળ નીકળેલા એ છોકરાઓ એક પગ પકડી અને એકની આંખો દબાવીને એક ભાઈ બેઠા હતા. ટોળામાં પૂછ્યું શું થયું તો કોઈએ કહ્યું કે કૂતરું વચ્ચે આવી ગયું અને બિચારા છોકરાઓ પડી ગયા. અને કૂતરા માટે થોડા અપશબ્દો પણ એ ભાઈ બોલી ગયા.
કહેવાનું મન થઇ ગયું કે ભાઈ આ વાંક કુતરાનો નહોતો, આ છોકરાઓ જ એટલા સ્પીડમાં હતાં કે કૂતરાને પણ વિચારવાનો સમય નહિ મળ્યો હોય કઈ તરફ હું જાઉં. પણ આ પ્રજાને કોણ સમજાવવા બેસે ?? કદાચ હું જ એ જગ્યા ઉપર ખોટો પડું, એમ સમજી થોડીવાર મૌન બની જોયા કર્યું. નજીકના દવાખાનામાં એ છોકરાઓને એક ગાડી વાળો મુકવા માટે ગયો. અને હું મારા રસ્તે.
યુવાની ના જોમમાં આજના છોકરાઓ માટે સ્પીડ, ફેશન, અને દેખાદેખીનું એટલું આકર્ષણ થઈ ગયું છે કે પોતાના જીવ ઉપર આવી જાય તો પણ એમને કઈ ફર્ક નથી પડતો. રોડ ઉપર ફૂલ સ્પીડમાં બાઈક ચલાવવી, સ્ટંટ કરવા, ફિલ્મોના સીનને પોતે અજમાવવા જેવા આંધળા અનુકરણો આજના છોકરાઓ કરી રહ્યા છે, એ જાણી અને જોઈને ખૂબ જ દુઃખ થાય છે, સાથે વાલીઓ પણ પોતાના સંતાનોને બેફામ છૂટ આપે છે, તો પછી તમારું ભવિષ્ય ક્યાં જઈને અટકશે ? કે પછી જે દીકરાએ બાપને અગ્નિદાહ આપવાનો છે એજ બાપે દીકરાને અગ્નિદાહ આપવો પડશે ?
#તમે_જાતે_જ_વિચારો_તમારે_શું_કરવું_છે_ ?
@નીરવ પટેલ 'શ્યામ'