Gujarati Quote in Quotes by Kamlesh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                          ( Part -2)

તેમાં વળી ગોકળઆઠમના તે દિવસે મંદિરના પૂજારીએ સૂચન કર્યું કે કોઈ બાળકને કાનુડો બનાવીને લાવો તો ભજનમાં વધુ રંગ આવશે. શેરીનાં બધાં માણસોએ કાનુડા માટે જશોદાબેનના માલવની પસંદગી કરી. એટલે કોઈ પીળું પીતાંબર લાવ્યું, તો કોઈ ખેસ લાવ્યું. કોઈ પૂંઠાનો મુગટ લાવ્યું, તો કોઈ વળી હાર અને કંદોરો લાવ્યું. પછી બધાંએ ભેગાં થઈને માલવને શણગારીને એવો કાનુડો બનાવ્યો કે બધાં તેને જોતાં જ રહી ગયાં. જશોદાબેન તો ‘મારો કાનુડો… મારો કાનુડો…’ એમ આખો દિવસ બોલતાં જ રહ્યાં અને હરખાતાં રહ્યાં. તે દિવસ પછી જશોદાબેનને જયારે પણ માલવ પર બહુ પ્યાર આવે ત્યારે ‘મારો કાનુડો’ એ શબ્દો બોલતાં બોલતાં તેના પર ઓળઘોળ થતાં રહેતાં. આજે પણ એ મીઠી યાદોમાં ખોવાઈને ‘મારો કાનુડો’ એમ રટતાં રટતાં જશોદાબેન જંપી ગયાં.

-*-*-*-

જશોદાબેન તો ઊંઘી ગયાં, પરંતુ માલવને જરા પણ જંપ નહોતો. એક તો જશોદાબેનના અનહદ લાડપ્યારથી માલવ બાળપણથી જ સુંવાળો, જીદ્દી અને સ્વચ્છંદી બની ગયો હતો. ધંધામાં વધારે પરિશ્રમ તે કરી શકતો નહિ અને સારી કમાણી ના થાય એટલે બીજાના દોષ કાઢતો રહેતો. ઓછી આવકને લીધે તે કામિની અને છોકરાંઓની માગણીઓ પૂરી કરી શકતો નહિ. વળી તેને ધંધામાં પણ વધુ પૈસાની જરૂર પડતી રહેતી હતી. એટલે તેને થતું કે જો ગામડાનું મકાન અને ખેતર વેચી નાખીએ, તો એ પૈસામાંથી શહેરમાં મોટું મકાન લેવાનું અને મોટો ધંધો કરવાનું શક્ય બને. પરંતુ મકાન અને ખેતર વેચવા માટે જશોદાબેન  બિલકુલ તૈયાર નહોતાં. પૂર્વજોની યાદગીરી અને પોતાની જિંદગીનાં સ્મૃતિચિહ્ન સમાં મકાન અને ખેતર વેચવાનું તેઓ સપનામાં પણ વિચારી શકે તેમ નહોતાં. કંટાળેલો અને અકળાયેલો માલવ નિસાસો નાખી બડબડયો: ‘હવે તો બા ઉપર જાય, તે પછી કંઇક મેળ પડે!’

પરંતુ આ શબ્દો સાથે જ માલવના મનમાં ઝબકારો થયો: બા ઉપર જતાં નથી, પણ જો બા ને ઉપર મોકલી જ દઈએ, તો બધા જ પ્રશ્નોનો નિકાલ થઇ જાય. એક તો ઘરમાં દરરોજ કકળાટ થતો મટે, ગામનાં મકાન અને ખેતર વેચીને તે પૈસામાંથી મોટું ઘર લેવાય અને બાકીના પૈસા ધંધામાં રોકીને વધુ કમાણી કરી શકાય.

જયારે દિમાગનો કબજો શેતાન લઇ લે છે, ત્યારે માણસને ફક્ત શેતાની વિચાર જ આવે છે. એટલે માલવ પણ બા નો પ્રેમ અને ત્યાગ, પોતાને જન્મ આપવાથી માંડીને મોટા કરવા સુધીમાં બા એ સહન કરેલ અનેક તકલીફો અને સંતાનની માતા પ્રત્યેની ફરજ જેવી બધીજ વાતો ભૂલીને બા ને કઈ રીતે ઉપર મોકલવાં તે વાત જ વિચારી રહ્યો.

-*-*-*-

એક કલાક સુધી દરેક બાબતનો ઊંડો વિચાર કરીને માલવે જડબેસલાક પ્લાન બનાવ્યો. પોતાનો ફ્લેટ ચોથા માળે હતો, જે ટોપ ફ્લોર હતો. એટલે બા ને ધાબા પર લઇ જવા ફક્ત એક જ માળ ચઢાવવો પડે. પછી તો ધાબા પરથી નીચે ફેંકી દઈએ, એટલે બા ઉપર પહોંચી જાય. પછી જાહેર કરવાનું કે લકવાની બીમારીથી કંટાળીને બા એ આપઘાત કર્યો છે. સાંજે અંધારું થયા પછીનો સમય પસંદ કરવાનો, જયારે ધાબા પર બીજું કોઈ હોય નહિ અને આજુબાજુના ફ્લેટવાળા પણ અંધારામાં કંઇ જોઈ ના શકે. કામિની અને છોકરાંઓને પણ તે સમયે બહાર મોકલી દેવાના. રજાનો દિવસ હોય તો આડોશી-પાડોશી પણ બહાર ગયાં હોય. આમ પોતાના ક્રૂર પ્લાનની દરેક બાબત ફરી ફરી વિચારીને માલવ જોરથી હોઠ ભીંસીને બડબડયો: આજે જ આ પ્લાનનો અમલ કરવો પડશે.

-*-*-*-

ક્રમશઃ....

Gujarati Quotes by Kamlesh : 111028863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now