લઘુ કથા
'પણ માં! તે મને શું કામ થપ્પડ મારી હતી?'
'બેટા.....!, કહેતા તો માં ની મમતાભરી મીઠી આંખોમાં ધડાધડ અશ્કના દરિયા ઊભરી આવ્યા.
ઘડીભર સુધી એ બંને માં-દીકરો એકબીજાને ટગર-ટગર તાકી રહ્યા.ઉરમાં ઉમટેલ પુત્રવત્સલ સ્નેહના પ્રચંડ ઉભરાથી માં એ સટાક કરતો ને પુત્રને છાતી સરસો ચાંપી લીધો.દીકરાના આંસુઓને લુછ્યા.ગાલ પર બચીઓ ભરી.દીકરાને પંપાળતા માં બોલી,બેટા...હું તારી માં છું ને એટલે તને થપ્પડ મારી!
સાભળીને માં ની ગોદમાંથી દીકરાને ભાગી જવાનું મન થયું.એણે માં ની આંખોમાં જોયું.એનાથી સત્વરે બોલી પડાયું:'શું મારવા માટે જ માં જન્મ આપે છે?'
માં ની આંખોથી ફરીવાર દડ-દડ કરતા આંસુઓ વહી આવ્યા.દીકરાના કપાળ પર હાથ ફેરવતા એ બોલી:'બેટા ! માં સંતાનને મારવા માટે જન્મ નથી આપતી પણ ગેરમાર્ગે જતા સંતાનને સન્માર્ગે વાળવા સારુ થઈને ક્યારેક કમને હાથ ઉપાડી દે છે.'
માં નું વાક્ય સાંભળીને પુત્ર હેતથી એને વળગી પડ્યો.એની આંખ સામે એ દશ્ય ચકરાવો લેવા લાગ્યું.
અંબાજીનું એ દશ્ય હતું.ત્યાં દર્શન કરીને પરત ફરતી વખતે પોતે એક દુકાનમાંથી બિલ્લી પગે ને ઉંદર ઝપાટે રમકડાની એક ગાડી ગજવે કરી લીધી હતી!એને એમ હતું કે આ ભીડમાં દુકાનદારનું ધ્યાન એના તરફ નથી.કિન્તું ચકોર દુકાનદારે એને જોઈ લીધો હતો.દુકાનદારે બહાર આવીને સટાક...કરતોક તમતમતો તમાચો એના ગાલે બેસાડી દીધો હતો! ને છોકરાને એ જ ઘડીએ સાતેય ભવ યાદ આવી ગયા.અને એ આગળ કંઈ વિચારે એ પહેલા એના બીજા ગાલે બીજો એવો જ તમાચો વળગી ગયો!છોકરો બિચારો ડઘાઈને અચંબામાં સરી ગયો.
પળવાર રહી એનાથી બોલાઈ ગયું હતું: 'માં,તું પણ?'
'હા,બેટા...હું પણ!'
એ દીકરો મોટો થઈને અમલદાર બન્યો.
એકવાર એક શાળામાં પ્રવેશોત્સવ વખતે બાળકોને શિસ્ત અને સદાચાર વિશે શીખામણ આપતા હતા.અચાનક એમના હૈયેથી અતીત ઉભરીને આંખે આવ્યો.બોલતા-બોલતા એ અટકી ગયા.વિચારોના ઘોડે સવારી કરી.આંખ ભરાઈ આવી.મનમાં બબડી પડ્યા:'ધન્ય છે માં તને!કે એ દિવસે તે મને થપ્પડ મારી.નહી તો આજે ચોરનું વિશેષણ લઈને ન જાણે ક્યા રગદોળાતો હોત!'
માતૃપ્રેમથી હૈયું છલકાઈ ઉઠ્યું.આંખોએ મમતાભર્યા 'અશ્કના દરિયા' વહાવ્યા. એનાથી મોટેથી બોલી પડાયું-માં,તું પણ જબરી નીકળી હો!મને કેવો સુધારી લીધો!!'
-અશ્ક રેશમિયા