કરુણા
સુંદર એનું નામ.જેવું નામ એવી જ એની ખીલતી આભા હતી.એના મનખમલી વદન પર બેનમૂન તેજસ્વિતા ચમકી રહી હતી.
સુંદર ગામડાની છોકરી હતી.કિન્તું એના લગન શહેરમાં રહેતા યુવાન જોડે થયા હતા.લગનના બે વર્ષ થવા છતાંય એની સુકુમાર સુંદરતામાં જરાય ઝાંખપ નહોતી આવી.નામમાં જેટલી સુંદરતા હતી એનાથીયે બમણી સુંદરતા એના અસ્તિત્વમાં અને અસ્તિત્વ કરતાંય ચડિયાતી સુંદરતા એના સંસ્કારોમાં હતી.કિન્તું એ સહેજ ભોળી હતી.
લગનના ઓગણીસમાં મહિને એણે સારો દિવસ ધારણ કર્યો.બરાબર એક માસ બાદ એણે પોતાની આ ખુશીના સમાચાર એના પ્રિય પતિદેવને કહ્યા.પછી તો આખા ઘરમાં ને પરિવારમાં આ સમાચારે આનંદની ઉર્મિઓ ઉડાવી દીધી!
એના પતિનું નામ સોહન.બંને ખુશમિજાજ જીંદગી જીવતા હતા.અને લાગણીની મીઠી માયા માણતા હતા.સુંદરને સાતમો માસ ઊતરવાની અણી પર હતો.એના દિવસો સારી રીતે વીતતા જતા હતા.
એવામાં એક દિવસ સોહનને સુંદરના ગર્ભમાં વિકસતા બાળકની જાતિ જાણવાની જીગ્નાસા થઈ.ને એ સુંદરને લઈને દવાખાને પહોચ્યો.(આ એ વખતની વાત છે જ્યારે ગર્ભપરીક્ષણ ગુનો નહોતો ગણાતો.)ત્યાં ડોક્ટર દ્વારા જણ મળી કે સુંદરના શરીરમાં વિકસતો ગર્ભ સ્ત્રી છે.તો એ સમાચાર સાંભળીને સોહનના પગ તળેથી ધરતી ખસવા લાગી.એણે પોતાની દશા એવી કરી નાખી જાણે આખે આખો હિમાલય એના પર ગબડી પડ્યો ન હોય! આખી રાત એ ઊંઘી શક્યો નહી.
બીજા દિવસની સવારે આ વાત પોતાના પરિવારને જણાવી.દીકરીના સમાચાર જાણીને આખા કુંટુંબ પર અણગમાની કાળાશ છવાઈ ગઈ! જે દીકરીને કુળની દેવી ગણવી જોઈએ એ દીકરીના અવતરવાની વાતનો આવો કુઠરાઘાત?
ત્રીજા દિવસે આખા કુંટુંબે ગર્ભપાત કરાવી લેવા સુંદરને સમજાવી.પણ સુંદર કેમેય કરીને આવું કાળું કાર્ય કરવા તૈયિર નહોતી.આખરે સોહને ઉધડો લેવા માંડ્યો.છતાંય સુંદર એકની બે ન થઈ ત્યારે સોહનના પરિવારે એ હથિયાર વાપર્યું જે હથિયાર કેટલાંક ખલનાયકો વાપરે છે.તેમણે ભેગા મળીને સુંદરને ધમકાવી કે જો એ ગર્ભપાત નહી કરાવે તો એને કાયમને માટે માવતરના ઘેર મૂકી દેવામાં આવશે.
યઆ સાંભળીને સુંદરની જીંદગીમાં ભયંકર ઝંઝાવાત ઉમટ્યો!એને ગરીબડા માવતર સાંભર્યા.ઘડીમાં પોતાનું ભાવિ વેરવિખેર થતું નજરે પડ્યું.આખરે બહું જ મથામણને અંતે પિતાની આબરૂને ખાતર એણે હા ભણી.છેવટે પરિવારનો વિજય થયો ને સુંદરે જીગરનો ટુકડો ખોયો!
આ ઘટના બાદ સુંદરને સહેજેય ચેન નહોતું રહેતું.ઘડીએ ઘડીએ એ બહાવરી બનતી જતી હતી.હરક્ષણે એને લાગતું હતું જાણે પોતે જ પોતાની જાતને જલાવી દીધી ન હોય! આવા અને બીજા અનેક બિહમણા વિચારોથી એ ઘેરાવા લાગી.એને સંસાર કડવો લાગ્યો.સંબંધ અને સમાજ પર તિરસ્કાર થયો.
જીંદગીની આ કારમી કરુણાથી કંટાળીને સુંદર એક રાતે ઘર છોડીને સંસારથી અદ્રશ્ય થઈ ગઈ.જતાં જતાં નાનકડી એક ચબરખી છોડતી ગઈ હતી.જેમાં લખ્યું હતુ:
'જે સમાજ-સંસારમાં હું દીકરી તરીકે જન્મ પામી એ જ માનવસમાજમાં-સંસારમાં દીકરી (સ્ત્રી)તરીકે હું ખુદ એક દીકરીને જન્મ ન આપી શકું એવિ કઠોર માનવસંસારમાં રહીનેય હું શું કરૂ?'
-અશ્ક રેશમિયા