મારો કબાટ
“બેઠી ખાટે ફરી વળી બધી મેડીઓ ઓરડામાં....” ગણગણવાતા તો જાણે આખું ઘર ફરી લીધું પ્રિયાએ.
હજું હમણાં જ સાસરેથી પિયરે આવેલી પ્રિયાએ આખા ઘરની દીવાલોને સાસરીની વાતો થી વાકેફ કરી લીધી.
હાથ માં આછી થઇ ગયેલી મહેંદી હજુ હમણાં જ થયેલાં લગન ની ચાડી ખાઈ રહી હતી.
રીવાજ પ્રમાણેએ અઠવાડિયાના સાસરવાસ પછી પિયરે આવી હતી પણ ઘરને એમ વળગી પડી જાણે વરસો પછી પાછી ઘરે આવી છે.
નાનપણ થી લઈને વિદાય સુધીના બધા જ દ્રશ્યો એની નજર સમક્ષ સંતાકૂકડી રમી રહ્યા હતા.
રસોડા માં પહોચતા સુધી માં તો એણે મમ્મીને આખા અઠવાડિયાનો જાણે રિપોર્ટ આપી દીધો.
“મારા સાસું બહુ પ્રેમાળ છે, સસરા તો અસ્સલ પપ્પા જેવા જ છે, હંમેશા હસાવ્યા જ કરે. દેરાણી તો જાણે સગ્ગી બેનપણી છે, હાર્દિક તો એટલું ધ્યાન રાખે છે કે મારે કેવું પડે કે આટલું બધું ધ્યાન રાખશો તો મને તો તમારા વગર એક સેકંડ પણ નઈ ચાલે. પછી એ એવું પણ કહે કે હું તો ક્યાં ક્યાય જવાનો જ છું તને છોડીને. મારા હાથના શાક ના વખાણ તો એમણે આખી ઓફીસ માં કરી નાખ્યા છે....”.
આટલું બોલતાં બોલતાં તો એ પોતાના રૂમ માં પહોચી ગઈને પોતાના કબાટ માં એ જ જુના કપડા શોધવા માંડી.
પોતાના જ કબાટ માં પોતાના કપડા નહોતા એટલે તરત મમ્મી પાસે પહોચી અને પેલાની જેમ જ શિકાયત કરવા માંડી કે “મારો કબાટ તો મારો જ રેહશે એમાં ભઈલું ના કપડા કેમ મૂકી દીધા, મારા કપડા કેમ કાઢી નાખ્યા.”
મમ્મી ચુપચાપ સાંભળી રહ્યા ને એ સાથે લઇ આવેલા થેલા સામે આગળી ચીંધી ને એટલું જ બોલ્યા કે, “બેટા, હવે એ જ તારો કબાટ છે. દીકરી જયારે કરિયાવર માં તિજોરી લઈને સાસરે જાય પછી તો એનો થેલો બસ એ એ એનો કબાટ હોય છે”.
જળજળીયા સભર આંખોથી બસ એ કબાટ ને જોઈ રહી ને મમ્મીને ભેટી પડી ને કશું જ ન બોલી શકી.