જેમ ચાલ્યું,એમ જો ચાલ્યા કર્યું તો દખ થશે
એક ગજ લઇને બધું માપ્યા કર્યું તો દખ થશે
આંખ આડા કાન કરવાનો કસબ શીખ્યા પછી
વારસામાં, એ ફકત આપ્યા કર્યું તો દખ થશે
એક તણખો હોય છે પર્યાપ્ત સઘળું બાળવા
ધૂંધવાતું તાપણું ટાળ્યા કર્યું તો દખ થશે !
લક્ષ્ય લઇ નીકળ્યા છીએ દરિયો સમૂળો લાંઘવા
ફક્ત કાંઠેથી જ તળ તાગ્યા કર્યું તો દખ થશે
આંધળો થઇ જાય છે વિશ્વાસ ખુદ અતિરેકથી
જો વલણ શ્રધ્ધાનું, આ રાખ્યા કર્યું તો દખ થશે
લયવગરનાં શ્વાસનો પણ ભાર લાગે છે
આમ,જો હોવાપણું હાંફ્યા કર્યું તો દખ થશે !