Abhishek - 15 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | અભિષેક - ભાગ 15

Featured Books
Categories
Share

અભિષેક - ભાગ 15

અભિષેક પ્રકરણ 15 

વીણા માસીએ ગંગા નદીના કિનારે ઘાટના પગથિયે બેસીને લોટે લોટે સ્નાન કરી દીધું. પાણી એટલું બધું ઠંડુ હતું કે હાથ પગ છાતી અને પીઠ ઉપર ગમે તેમ કરીને પાણી રેડ્યું પણ માથા ઉપર પાણી રેડવાની એમની હિંમત ચાલી નહીં. એમણે પાણીવાળો હાથ કરીને મ્હોં ઉપર અને માથાના વાળ ઉપર ફેરવી દીધો. 

"હે ગંગામૈયા. તારામાં ડૂબકી મારવાની મારી હવે હિંમત નથી. થોડું કર્યું ઘણું માનજે અને મારાં બધાં પાપ ધોઈ નાખજે. " માસી હથેળીમાં પાણી લઈને બોલ્યાં અને પછી એ પાણી ગંગામાં રેડી દીધું. 

એ પછી અભિષેક તરફ પીઠ રાખીને એમણે કપડાં બદલી દીધાં અને ઉપર શાલ પણ ઓઢી લીધી. 

એ દરમિયાન અભિષેકની પૂજા પૂરી થઈ ગઈ અને એણે પંડિતજીને દક્ષિણા પણ આપી દીધી. વીણા માસી સ્નાન કરવામાં રોકાયેલાં હતાં એટલે એમને ખબર ન પડી કે આ પિંડદાન પોતાની બહેન સ્નેહલતા માટે હતું કે કોઈ બીજા માટે ! 

અભિષેકે એ પછી ફરી ગંગાસ્નાન કરી લીધું અને પોતાનાં કપડાં પહેરી લીધાં. ધોતી એણે પંડિતને દાનમાં આપી દીધી. 

ત્રિવેણી ઘાટ ઉપર અભિષેકને પોતાના મહાન ગુરુ સ્વામી નિર્મલાનંદજીની યાદ આવી ગઈ. આ ઘાટ ઉપરથી જ ચાલતો ચાલતો તે બદ્રીનાથ રોડ ઉપર પહોંચ્યો હતો અને સ્વામીજીની કુટીર શોધી કાઢી હતી ! એણે મનોમન સ્વામીજીને પ્રણામ કર્યા. 

"તેં છેક ઋષિકેશ આવીને આ ત્રિવેણી ઘાટ ઉપર બહેનને પિંડદાન અને શ્રાદ્ધ કર્યું એટલે હવે બહેનની ગતિ ચોક્કસ થઈ જશે ! " વીણામાસી બોલ્યાં.

" હા માસી મમ્મીની સદગતિ ચોક્કસ થઈ ગઈ. અત્યારે સાડા દસ વાગી ગયા છે. હવે આપણે સીધા હોટલ ઉપર જઈશું અને સાડા  અગિયાર વાગે ચોટીવાલામાં જમવા જઈશું." અભિષેક બોલ્યો અને બંને જણાંએ ફરી ગીતા ભવન તરફ ચાલવાનું શરૂ કર્યું. 

ગ્રીનવ્યુ હોટલે પહોંચીને માસીએ કોરાં  કપડાં પહેરી લીધાં અને ભીનાં થયેલાં કપડાં વોશરૂમમાં જઈને ધોઈ નાખ્યાં અને હોટલની ગેલેરીમાં જઈને સૂકવી દીધાં. એ તો સારું હતું કે ગેલેરીમાં યાત્રાળુઓની સગવડ માટે એક દોરી બાંધેલી જ હતી ! 

ત્રિવેણી ઘાટથી ચાલીને ગ્રીનવ્યુ હોટલ આવવામાં અને હોટલે આવીને કપડાં વગેરે ધોવામાં સાડા અગિયાર વાગી ગયા એટલે અભિષેક માસીને લઈને ચોટીવાલા રેસ્ટોરન્ટ જવા નીકળ્યો.

જમીને ગ્રીનવ્યુ હોટલ પાછા આવ્યા ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. બપોરે ૨:૫૫ ની યોગા એક્સપ્રેસની ટિકિટ હતી એટલે અભિષેક કાઉન્ટર ઉપર જઈને પેમેન્ટ કરી આવ્યો અને બપોરે બે વાગે હોટલ ચેક આઉટ કરી લીધી.  

બહાર નીકળીને રીક્ષા કરી અને બંને સ્ટેશને પહોંચી ગયાં. યોગા એક્સપ્રેસ ત્યાંથી જ ઉપડતી હતી એટલે થ્રી ટાયર એસીના કોચમાં પોતાની સીટ લઈ લીધી. ટ્રેઈનમાં બેઠા પછી  અભિષેકે ગુગલમાં સર્ચ કરીને દિલ્હી થી મુંબઈ જવા માટે રાત્રે સવા બે વાગે ઉપડતી એર ઈન્ડિયાની બે ટિકીટ પણ બુક કરાવી દીધી. 

ઋષિકેશથી એના કમ્પાર્ટમેન્ટમાં આઠ ના બદલે માત્ર ચાર જ પેસેન્જર્સ હતાં. સાંજે ચાર વાગે હરિદ્વાર આવ્યું ત્યારે કમ્પાર્ટમેન્ટ ફુલ થઈ ગયો. એણે હરિદ્વારમાં વેન્ડર પાસેથી ચાના બે કપ લઈ લીધા. 

આ ટ્રેઈન અમદાવાદ જતી હોવાથી મોટાભાગના પેસેન્જર્સ ગુજરાતી જ હતા. અભિષેકની બરાબર સામેની બે સીટો ઉપર એક આધેડ યુગલ બેઠેલું હતું એ લોકો સૌરાષ્ટ્રની કાઠીયાવાડી ભાષામાં વાત કરતાં હતાં. એમની વાતોમાં એક બે વાર રાજકોટનો ઉલ્લેખ થયો એટલે અભિષેકના કાન સરવા થયા.  

" તમે લોકો રાજકોટનાં લાગો છો. " ટ્રેઈન ઉપડ્યા પછી અભિષેકે અંકલને પૂછ્યું. 

" હા અમે લોકો રાજકોટ જ રહીએ છીએ." અંકલના બદલે આન્ટીએ જવાબ આપ્યો. એમની ઉંમર ૬૦ વર્ષ આસપાસની દેખાતી હતી. 

" અચ્છા. હું ડોક્ટર છું અને બે વર્ષ માટે મારે પણ રાજકોટ આવવાનું છે એટલા માટે પૂછ્યું." અભિષેક બોલ્યો. 

" આવો આવો. રાજકોટ મજાનું શહેર છે. તમને ત્યાં મોજ આવશે." અંકલ બોલ્યા.  

" તમારા રાજકોટમાં રઘુવીર પરા નામનો વિસ્તાર છે ? એ કેવો એરીયા છે ? " અભિષેક બોલ્યો. 

" રઘુવીર પરા એટલે જૂનું રાજકોટ ! હવે તો રાજકોટનો બહુ જ વિકાસ થયો છે. પણ સદર બજારનો એરીયા સૌથી જૂનો છે. અમે લોકો પણ રઘુવીર પરામાં જ રહીએ છીએ." અંકલ બોલ્યા. 

" ત્યાં શેરી નંબર પાંચમાં ભારતી આન્ટીને તમે કદાચ ઓળખતા હશો. મારે એમના ઘરે જવાનું છે. રાજકોટમાં ભાડે રહેવા માટે મને કોઈએ એમનું નામ આપ્યું છે. " અભિષેક બોલ્યો. 

" આ ભાઈ તો ભારતીબેન દાવડાની વાત કરતા લાગે છે." અંકલ આન્ટીની સામે જોઈને બોલ્યા. 

" હા ભારતીબેનનું મકાન અમારાથી ત્રીજુ મકાન. બિચારાં બહુ દુઃખી છે. છોકરું છૈયું કંઈ છે નહીં. એમનો ઘરવાળો એક અકસ્માતમાં ગુજરી ગયો પછી એમણે બીજીવાર લગન કર્યાં જ નહીં. " આન્ટી બોલ્યાં.

" પરંતુ રાજકોટમાં તમારે ભાડે રહેવું હોય તો સારી સારી સોસાયટીમાં તમને મકાન મળી જશે ડોક્ટર સાહેબ. એમનું મકાન તો જર્જરિત છે. ત્યાં આવીને તમારા મોભાને છાજે એવું મકાન ગોતી કાઢજો ને ! " અંકલ બોલ્યા.

" તમારી વાત સાચી છે પરંતુ આ ઉંમરે એમને આર્થિક ટેકો રહે એટલા માટે એમના ઘરે રહેવાનું વિચારું છું અને મારા એક મિત્રે ખાસ ભલામણ કરી છે. " અભિષેક બોલ્યો. 

" વિચાર તો સારો છે સાહેબ. ભલે ભલે ચોક્કસ પધારો. મારું નામ  રસિકલાલ છે. ત્યાં લાબેલાના ગાંઠિયા બહુ પ્રખ્યાત છે. બસ એનાથી સહેજ આગળ જાઓ એટલે મારું મકાન આવે." વડીલ બોલ્યા. 

" હું ત્યાં આવીને ચોક્કસ તમને મળીશ. તમે આ સિઝનમાં હરિદ્વાર ફરવા માટે આવ્યા હતા ? " અભિષેક બોલ્યો. 

" ના રે ભાઈ ના. આટલી કડકડતી  ઠંડીમાં હરિદ્વાર કોણ આવે ?  આ તો બે મહિના પહેલાં મારો દીકરો એક અકસ્માતમાં પાછો થ્યો એટલે એનાં અસ્થિ પધરાવવા માટે આવ્યાં હતાં. ભર યુવાન ઉંમરે આ ઘટના બની. અમારા માથે તો આભ તૂટી પડ્યું ભાઈ. એકનો એક દીકરો હતો. ૨૩ વર્ષની એક દીકરી છે પણ એને ઘરે મૂકીને આવ્યા છીએ. દીકરાના લગનને બે વર્ષે થયાં હતાં. એની વહુ પિયર ચાલી ગઈ છે." અંકલે પોતાની વેદના ઠાલવી. 

દીકરાની યાદ આવતાં આન્ટીની આંખમાં આંસુ આવી ગયાં જે એમણે સાડીના પાલવથી લૂછી નાખ્યાં. 

"તમારા દીકરાનું નામ કદાચ અમિત હતું. એ બાઈક ચલાવતો હતો ત્યારે રૈયા ચોકડી પાસે એક બસને ઓવરટેક કરવા જતાં એણે બેલેન્સ ગુમાવી દીધું. બાઈક સ્લીપ થઈ ગઈ અને એ બસની નીચે જ આવી ગયો. અકસ્માત થયો ત્યારે એણે બ્લુ શર્ટ પહેર્યું હતું. અત્યારે એ સૂક્ષ્મ જગતમાં સુખી છે. અસ્થિ પધરાવ્યાં ત્યારે એ તમારી સામે હાજર થયો હતો ! " અભિષેક અચાનક પોપટની જેમ બધું બોલી ગયો. 

પેલા અંકલ અને આન્ટી તો અભિષેક ની આ વાત સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયાં. આ યુવાન શું બોલી રહ્યો છે ! પોતાના દીકરા અમિતના મૃત્યુ સમયનું આટલું બધું સચોટ વર્ણન ! એ પણ અમિતના નામ સાથે !! અરે વીણા માસી પણ આ વાત સાંભળીને ચમકી ગયાં. 

" અરે ભાઈ તમે એ અકસ્માત થયો ત્યારે ત્યાં હાજર હતા ? તમે મારા દીકરાને ઓળખો છો ? " થોડીવાર રહીને અંકલ બોલ્યા. 

" હું ક્યાંથી ઓળખું અંકલ ? મેં તો રાજકોટ પણ જોયું નથી. આ તો અચાનક મને જે દેખાયું તે મેં કહી દીધું. તમારો દીકરો સુખી છે માટે શોક કરવાની જરૂર નથી. " અભિષેક બોલ્યો. 

" તમે તો એ પણ કહ્યું કે અસ્થિ પધરાવ્યાં ત્યારે મારો દીકરો ત્યાં હાજર હતો. એ તમને કેવી રીતે ખબર પડી ? અમને તમારી વાત સમજાતી નથી ભાઈ પણ તમે જે વર્ણન કર્યું એ તો બધું જ સાચું છે. એણે એ દિવસે બ્લુ શર્ટ જ પહેર્યું હતું. " અંકલ બોલ્યા. 

" મેં કહ્યું એ બધું જ સાચું છે અંકલ. અસ્થિ પધરાવ્યાં ત્યારે તમારો દીકરો હાજર જ હતો. તમે હરકી પૌડીના ઘાટ ઉપર આજે સવારે બે પગથિયાં ઉતરીને અસ્થિ વિસર્જન કર્યું હતું. એ વખતે તમે સહેજ લપસ્યા પણ હતા અને આન્ટીએ તમારો હાથ પકડી લીધો હતો. તમે ત્યાં ઉભેલા ચાર પંડિતોને ૫૦૦ ૫૦૦ રૂપિયા દાન તરીકે આપેલા. " અભિષેક બોલ્યો. એને પોતાને સમજ નહોતી પડતી કે આ બધું એ કેવી રીતે બોલી રહ્યો છે ! 

" અરે ભાઈ હવે તો માનવું જ પડશે. તમે તો ત્રિકાળજ્ઞાની લાગો છો. તમારી દરેક વાત સત્ય છે ! તમે રાજકોટ પધારો સાહેબ. અમે તમારી રાહ જોઈશું. અમારો દીકરો સુખી છે એવું સાંભળીને અમને ખૂબ જ આનંદ થયો છે. " અંકલ બોલ્યા. 

" હા ભાઈ તમે આજે અમને ઘણી શાંતિ આપી છે. તમે અમારા ઘરે ચોક્કસ આવજો. " આન્ટી બોલ્યાં  

" હા હું ચોક્કસ મળીશ. આમ પણ મારે ભારતી આન્ટી ના ઘરે આવવાનું જ છે. " અભિષેક બોલ્યો. 

અભિષેકની આ બધી વાતો સાંભળીને વીણા માસી ખૂબ જ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં હતાં. પોતાનો ભાણો આટલો બધો ત્રિકાળ જ્ઞાની હશે એની તો એમને આજે જ ખબર પડી. 

સાંજે સાડા છ વાગે મુઝફ્ફરનગર આવ્યું એટલે અભિષેકે વેન્ડર પાસેથી ચાના ચાર કપ લીધા અને બે કપ અંકલ અને આન્ટીને પણ આપ્યા.

મુઝફ્ફરનગર ગયા પછી જમવા માટે નામ લખાવવા પેન્ટ્રી કારનો વેન્ડર આવ્યો. પરંતુ રેલવેનું મેનુ એકસરખું હોવાથી એણે ઓર્ડર ના લખાવ્યો. 

રાત્રે સાડા આઠ વાગે ગાઝિયાબાદ આવ્યું ત્યારે અભિષેક પ્લેટફોર્મ ઉપર જઈને પૂરી અને બટેટાના શાકની બે પ્લેટ લઈ આવ્યો. ચાર પુરી એક્સ્ટ્રા પણ લીધી અને બે એક્સ્ટ્રા પેપર ડીશ પણ લઈ લીધી.  

" અરે ડોક્ટર સાહેબ તમે શું કામ આ  બધું લઈ આવ્યા ? અમારી પાસે થેપલાં પૂરી બધું જ છે. એક નાના ડબ્બામાં તાજુ દહીં પણ લઈ લીધું છે." અંકલ રસિકલાલ બોલ્યા. 

" કંઈ વાંધો નહીં અંકલ. તમારાં થેપલાં  અને દહીંનો થોડો સ્વાદ માણીશું. એક એક થેપલુ અને થોડું દહીં આ બંને ખાલી ડીશમાં આપી દો એટલે અમારું ડીનર થઈ જશે. અને તમે પણ જમવાનું ચાલુ કરી દો. " અભિષેક હસીને બોલ્યો. 

અને એ પછી બધાંએ એક સાથે જ જમવાનું ચાલુ કર્યું. થેપલાં પણ સરસ હતા અને બટેટાનું રસાવાળુ શાક પણ સરસ હતું. સાથે દહીં હતું એટલે જમવાની વધારે મજા આવી. 

રાત્રે દસ વાગે દિલ્હી સ્ટેશન આવી ગયું એટલે વીણા માસીને લઈને અભિષેક નીચે ઉતર્યો. અંકલ આન્ટી પણ વિદાય આપવા માટે એમની સાથે પાંચ મિનિટ માટે નીચે ઊતર્યાં. એમને તો છેક અમદાવાદ સુધી જવાનું હતું અને બીજા દિવસે બપોરે સાડા ત્રણ વાગ્યે અમદાવાદ પહોંચીને ત્યાંથી રાજકોટની પાંચ વાગ્યાની લક્ઝરી પકડવાની હતી.  

" થેન્ક્યુ ડોક્ટર સાહેબ તમારી કંપનીમાં અમને બહુ જ મોજ આવી. અમારા દીકરા વિશે તમે જે પણ માહિતી આપી એનાથી અમને ખૂબ જ ખુશી થઈ છે. રાજકોટ આવો ત્યારે સૌથી પહેલાં અમારા ઘરે જ આવજો. અમે તમને ભારતીબેનના ઘરે લઈ જઈશું." અંકલ બોલ્યા. 

" જી અંકલ. થોડા દિવસો પછી આપણે ચોક્કસ મળીશું. મેં તમને તમારા દીકરા વિશે જે પણ વાતો કરી એ તમારા પૂરતી જ રાખજો. એનો કોઈ પ્રચાર ના કરશો. અને મને તમારો નંબર પણ આપી રાખો જેથી રાજકોટ આવતી વખતે તમને જાણ કરું. " અભિષેક બે હાથ જોડીને બોલ્યો. 

રસિકલાલે અભિષેકને પોતાનો મોબાઈલ નંબર લખાવી દીધો અને સામે અભિષેકે પણ પોતાનો નંબર એમને આપી દીધો. 

"ચાલો વડીલ અમે હવે રજા લઈએ" અભિષેક બોલ્યો અને માસીને લઈને સ્ટેશનની બહાર જવા માટે નીકળ્યો. 

ફ્લાઇટનો ટાઈમ વહેલી સવારે સવા બે વાગ્યાનો હતો એટલે એક વાગે ન્યુ દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચી જવું પડે. હજુ તો રાતના સવા દસ વાગ્યા હતા. લગભગ અઢી કલાકનો સમય હજુ પસાર કરવાનો હતો. એટલે એણે દિલ્હી રેલવે સ્ટેશન ઉપર એસી વેઇટિંગ રૂમમાં જ સમય પસાર કરવાનો નિર્ણય લીધો. 

વેઇટિંગ રૂમમાં આવીને એણે થોડો આરામ કરી લેવાનું નક્કી કર્યું અને એક વાગ્યાનું એલાર્મ પણ મોબાઈલમાં મૂકી દીધું. માસીને પણ બે અઢી કલાક આરામ કરી લેવાનું સૂચન કર્યું. 

એલાર્મ વાગ્યું એટલે અભિષેક તરત જ જાગી ગયો અને માસીને જગાડીને સ્ટેશનની બહાર નીકળી ગયો. ત્યાંથી ટેક્સી કરીને એરપોર્ટ ઉપર પહોંચી ગયો અને બધી ફોર્માલિટી પૂરી કરીને બંને જણાં જ્યાંથી મુંબઈની ફ્લાઈટ ઉપડતી હતી એ ગેટ ઉપર પણ આવી ગયાં. 

પરોઢિયે પાંચ વાગ્યે મુંબઈની ધરતી ઉપર ઉતરીને અભિષેકે ટેક્સી કરી લીધી અને સાડા પાંચ વાગે તો ઘરે પણ પહોંચી ગયો.

બે દિવસ પછી હોસ્પિટલમાં બોર્ડની મીટીંગ હતી. હોસ્પિટલ ટ્રસ્ટની હતી એટલે દર વર્ષે ડિસેમ્બરના અંત ભાગમાં ડાયરેક્ટર્સ અને મેનેજિંગ ટ્રસ્ટીની હોસ્પિટલના મેનેજમેન્ટ સ્ટાફ સાથે બોર્ડ મીટીંગ થતી. 

હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો અને નર્સોનો રીવ્યુ કરાતો. એમના કામ વિશે ચર્ચા થતી. નવા ડોક્ટરની ભરતી કરવા અંગે અને ત્યાં નોકરી કરતા તેમજ માનદ સેવાઓ આપતા  ડોક્ટરો વિશે અભિપ્રાયો મંગાતા. 

"બીજું બધું તો ઠીક છે સર પરંતુ ડૉ. અભિષેક મુન્શીની સેવાઓ થોડીક અનિયમિત થઈ ગઈ છે. અવારનવાર રજા લઈ લે છે. બીજા કોઈને પોતાની ડ્યુટી સોંપીને બહાર નીકળી જાય છે. બાકી એમનું કામકાજ તો સારું છે." હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ  રામાણી બોલ્યા. 

" એ ન ચલાવી લેવાય ને ! એમને તમે કારણદર્શક નોટિસ આપી દો. એમણે હોસ્પિટલની શિસ્ત તો પાળવી જ જોઈએ. ઘણા બધા ડોક્ટરો લાઈનમાં છે. એમની જગ્યાએ નવા ડોક્ટરની ભરતી કરી દઈશું. " ડાયરેક્ટર ગોખલે મરાઠી ભાષામાં બોલ્યા. 

" હા હા તમે એમને નોટિસ ઇસ્યૂ કરો." મેનેજિંગ ટ્રસ્ટી કાપડિયા બોલ્યા. 

અને બીજા દિવસે અભિષેક પોતાની ચેમ્બરમાં બેઠો હતો ત્યારે એક વોર્ડ બોય આવીને અભિષેકને ટાઈપ કરેલો અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રામાણી સાહેબની સહી કરેલો એક લેટર આપી ગયો ! 

# ડૉ. અભિષેક, છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલના ધ્યાનમાં આવ્યું છે કે તમે ઘણીવાર મોડા આવો છો અને ક્યારેક તમારી ડ્યુટી ચાલુ હોય ત્યારે પણ બહાર નીકળી જાઓ છો. રજા લેવાનું પ્રમાણ પણ વધી ગયું છે. તમારી આ અશિસ્ત માટે હોસ્પિટલ તમારી સામે શિસ્તભંગનાં પગલાં કેમ ના લે એ વિશે આ નોટિસ મળ્યાથી સાત દિવસમાં ખુલાસો કરશો.... સહી.  સુપ્રિન્ટેન્ડેન્ટ.

વાહ ગુરુજી વાહ !  રાજકોટ જવા માટેનો પ્લાન પણ તમે જ ગોઠવી દીધો ! મારે હોસ્પિટલમાંથી રાજીનામું કયું કારણ બતાવીને આપવું એવું હું બે દિવસથી વિચારી જ રહ્યો હતો ત્યાં સામેથી જ નોટિસ મળી ગઈ !!

પળનો પણ વિલંબ કર્યા સિવાય અભિષેકે ત્યાં પડેલા હોસ્પિટલના લેટરપેડ ઉપર પોતાનું એક મહિના પછીનું રાજીનામું લખી દીધું. એણે બેલ મારીને વોર્ડ બોયને ચેમ્બરની અંદર બોલાવ્યો અને એ લેટર આપી દીધો. 

" આ લેટર રામાણી સાહેબને જઈને આપી આવ. " અભિષેક બોલ્યો. 

માત્ર આઠ દસ મિનિટના સમયમાં જ આ રીતે અભિષેકના રાજીનામાનો જવાબ વાંચીને રામાણી  સાહેબ અચરજ પામી ગયા. એમને કલ્પના પણ ન હતી કે નોટિસના જવાબમાં અભિષેક રાજીનામું ધરી દેશે. અભિષેક પ્રત્યે એમને કોઈ દ્વેષ કે ગુસ્સો ન હતો. અભિષેક ખૂબ જ સેવાભાવી ડોક્ટર હતો. પોતે બોર્ડમાં અભિષેક વિશે જે ફરિયાદ કરી એ બદલ એમને પસ્તાવો પણ થયો ! 

એમણે તરત જ વોર્ડ બોયને અંદર બોલાવીને અભિષેકને પોતાની ચેમ્બરમાં મોકલવાનું કહ્યું. 

વોર્ડ બોયે જાણ કરતાં અભિષેક તરત જ રામાણી સાહેબની ચેમ્બરમાં હાજર થઈ ગયો.

" આ શું અભિષેક ? મેં રાજીનામાની વાત ક્યાં કરી છે ! મેં તો માત્ર તમને વારંવાર રજા ઉપર ઉતરી જવાનો ખુલાસો માંગ્યો છે. અને આ તો એક સિસ્ટમ પ્રોસિજર છે. તમારા કામથી કોઈને પણ અસંતોષ નથી. તમારે આટલા બધા નારાજ થઈ જવાની જરૂર નથી. " અભિષેકને પોતાની સામે બેસાડીને રામાણી બોલ્યા.  

" હું તમારાથી નારાજ નથી સર. રાત દિવસ જોયા વગર આજ સુધી હું આ હોસ્પિટલને સમર્પિત રહ્યો છું. કામના કલાકો મેં ગણ્યા નથી. ઘણીવાર રાત્રે મોડે સુધી પણ રોકાયેલો છું. અને જ્યારે પણ મારાં અંગત કારણોથી મોડો આવ્યો છું અથવા બહાર ગયો છું ત્યારે અગાઉથી મારા કલિગને મેં જાણ કરી જ હોય છે જેથી પેશન્ટ્સ ને કોઈ તકલીફ ના પડે." અભિષેક બોલ્યો. 

" હું જાણું છું અભિષેક. તમે આટલા બધા ઈમોશનલ ના થશો. આટલી સારી નોકરી તમને મળેલી છે. ફરી નવી જોબ તમારે શોધવી પડશે. નોટિસને ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી. તમે બસ બે-ચાર લીટીનો જવાબ આપી દો એટલે તમારો કેસ ફાઈલ થઈ જશે. " રામાણી લાગણીથી બોલ્યા. 

" તમારી લાગણી બદલ ખૂબ ખૂબ આભાર સર. પરંતુ મારો નિર્ણય ફાઇનલ છે. હવે મારે થોડો આરામ કરવો છે. પૈસાની મને કોઈ તકલીફ નથી એટલે એક મહિના પછી હું હોસ્પિટલ છોડી દઈશ. " અભિષેક બોલ્યો અને બે હાથ જોડીને બહાર નીકળી ગયો.

સુપ્રિન્ટેન્ડેન્ટ રામાણી દુઃખી હૃદયે ચેમ્બરની બહાર નીકળતા અભિષેકને બસ જોઈ જ રહ્યા ! એમને બિચારાને ક્યાં ખબર હતી કે આ બધો ખેલ ઉપરવાળાએ જ રચ્યો હતો !! 
                                       ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)